જુદી-જુદી ચાર સ્પર્ધામાં 72 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી : મોરબીની તપોવન વિદ્યાલય ખાતે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી કાવ્ય, નિબંધ લેખન, વકતૃત્વ સહિતની કલાઓ વિકસે અને પ્રતિભાવંત બને તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉસત્વનજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી ચાર સ્પર્ધામાં 72 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-મોરબીના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલા ઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવી કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ વિશેની ચિત્ર સ્પર્ધા, ઝવેરચંદ્ર મેધાણી રચિત શૌર્ય ગીતોની કાવ્યગાનની સ્પર્ધા, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓના વિષય પર નિબંધ લેખન સ્પર્ધા અને સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓ નું યોગદાન વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેના અનુસંધાને આજે તપોવન વિદ્યાલય-મોરબી ખાતે SVS મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી કુલ 72 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.500, રૂ.300 3.200 રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી લાયઝન ઓફિસર તરીકે ધર્મીષ્ઠાબેન કડીવાર તથા તપોવન વિદ્યાલય મોરબીના ચેરમેન અશોકભાઈ રંગપરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું એન્કરિંગ નિર્મલ વિદ્યાલયના સંચાલક રમણીકભાઈ બરાસરાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.