મોરબી પાલિકામાં કચરો ઉપાડવા કોન્ટ્રાકટ અપાયો : શહેરના 120 જેટલા સ્થળો ઉપરથી કોન્ટ્રાકટર કચરો ઉપાડશે મોરબી : મોરબીમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો ઘર,દુકાન, કારખાનામાં સાફસફાઇમાં વ્યસ્ત બનતા છેલ્લા દિવસોમાં દૈનિક સરેરાશ 120થી 130 ટન કચરો નીકળી રહ્યો છે. અગાઉ પાલિકા દ્વારા ડોર ટુ ડોર અને અન્ય ન્યુસન્સ પોઇન્ટ ઉપરથી સરેરાશ 90 ટન કચરો નીકળતો હતો. દરમિયાન પાલિકા દ્વારા અગાઉ વિવિધ વિસ્તારમાંથી પોતાના દ્વારા થતી કામગીરીનું પણ ખાનગીકરણ કરી અમદાવાદની પેઢીને જાહેર ન્યુસન્સ પોઇન્ટ ઉપરથી કચરો ઉપાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. મોરબી પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાંથી દરરોજ સરેરાશ 90 ટન જેટલો કચરો નીકળતો હતો પરંતુ દિવાળી તહેવારને કારણે ઘર, ઓફિસ, કારખાનામાં સાફસફાઈ શરૂ થતા હાલમાં દૈનિક 120થી 130 ટન કચરો એકત્રિત કરી પાલિકાના રફાળેશ્વર ડમ્પિંગ સાઈટ ઉપર નિકાલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મોરબી પાલિકા દ્વારા અગાઉ 9 ટ્રેકટર અને ત્રણ લોડર મારફતે શહેરના વિવિધ વિસ્તારમાં ઉકરડા રૂપી ન્યુસન્સ પોઇન્ટ ઉપર એકત્રિત થતો કચરો ઉપાડવામાં આવતો હતો જે કામગીરીનું ખાનગીકરણ કરી અમદાવાદની પેઢીને આ કામગીરી સોંપવામાં આવી છે. જેમાં 20 ટ્રેકટર અને 4 લોડર દ્વારા ચોવીસ કલાક કચરો ઉપાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકા દ્વારા ઘન કચરો એકત્રિત કરી ડોર ટુ ડોર અને ન્યુસન્સ પોઇન્ટ ઉપરથી કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચાડવા માટે અંદાજે પ્રતિ ટન કચરા પાછળ અંદાજે રૂપિયા 1200 લેખે દરરોજ લાખોનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે હવે કચરા નિકાલની તમામ કામગીરીનું ખાનગીકરણ થતા લોકોને સ્વચ્છ મોરબીની પ્રતીતિ થઇ શકે તેવી શાસકો દ્વારા નક્કર કામગીરી કરવામાં આવશે તેવો શાસકો દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે.