ધાંગધ્રા, મોરબી અને માળિયા બ્રાંચ કેનાલ ચાલુ કરવા મુખ્યમંત્રીને ભાર પૂર્વક રજુઆત હળવદ : હળવદ પંથકમાંથી પસાર થતી અને મોરબી જિલ્લાના ખેડૂતોને સિંચાઇ સુવિધા આપતી નર્મદા કેનાલને વહેલી તકે ચાલુ કરવા માટે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષએ રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂતોના હિતમાં લેખિતમાં રજૂઆત કરી છે. રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદ સહિત મોરબી જિલ્લાના ખેડૂતોની રજૂઆતો અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાલ ચોમાસા દરમિયાન વધુ પડતો વરસાદ પડવાના કારણે કપાસ અને મગફળીના વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને ધ્યાને લઇ આગામી દિવસોમાં ખેડૂતોને શિયાળુ સિઝનનો લાભ મળે તે હેતુથી હળવદ તાલુકામાંથી પસાર થતી ધાંગધ્રા, માળિયા અને મોરબી બ્રાંચ કેનાલ ચાલુ કરવી ખૂબ જ અનિવાર્ય છે. વધુમાંએ પણ જણાવ્યું છે કે આ મહામારીના સમયમાં બનતા દરેક પ્રયાસો રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત અને સમૃદ્ધિ તરફ વિવિધ વિચારશીલ બની રહ્યું છે ત્યારે ગ્રામયકક્ષાએથી આવેલી રજૂઆતોને ધ્યાને લઇ આગામી સમયમાં કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સમયસર વાવણી થઇ શકે અને નુકસાન ભોગવવું ન પડે તથા ખેડૂતોને ફાયદો થાય. ઉપરોક્ત વિષયની રજુઆતને ઝડપથી ધ્યાને લઇ કેનાલ ચાલુ કરી પાણી પૂરું પાડવામાં આવે તો ખેડૂતો દ્વારા આગામી વાવેતર સમયસર થઈ શકશે તે બાબતને ધ્યાને લઇ કેનાલ ઝડપથી ચાલુ કરવા અંતમાં સરકારને લાગણીસભર વિનંતી કરી છે.