નિગમના ત્રણેય યુનિયન અગ્રણીઓ સાથેની બેઠકમાં સમાધાન : પગાર વધશે, મોંઘવારી ડી.એ.પણ વધશે : કોરોના વોરિયર્સ ગણવા મામલે પણ હકારાત્મકતા મોરબી : ગુજરાત રાજ્યના એસટી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ કાળી પટ્ટી, ઘંટનાદ બાદ બુધવારે મધ્યરાત્રિથી એસટી બસના પૈડાં થંભાવી દેવા એલાન કરતા સરકાર હરકતમાં આવી હતી. એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનના આગેવાનો સાથે સરકારે મોટાભાગની માંગ સ્વીકારી લેતા હાલતુર્ત એસટીના પૈડાં નહિ થંભે. એસટી કર્મચારી યુનિયન દ્વારા તમામ કર્મચારીઓને રાબેતા મુજબ રૂટ ચાલુ રાખવા સંદેશ પણ પાઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ દ્વારા પોતાની 20 જેટલી પડતર માંગણીઓને લઈ છેલ્લા એકાદ માસથી લડત ચલાવી રહ્યા છે અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવાની સાથે ઘંટનાદ કરી સરકારને જગાડવા પ્રયાસો પણ નિષ્ફળ જતા આજે એસટી કર્મચારી મંડળના ત્રણેય યુનિયન દ્વારા તા.21ના રોજ માસ સીએલ ઉપર જઈ એસટીના પૈડાં બુધવાર મધ્યરાત્રિથી થંભાવી દેવા ચીમકી આપતા સરકાર તુરત જ હરકતમાં આવી હતી અને યુનિયન અગ્રણીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો હતો. દરમિયાન એસટી યુનિયન અગ્રણીઓ સાથે બેઠક દરમિયાન સરકાર દ્વારા રાજ્યના એસટી કર્મચારીઓને 1-11-2021 સુધીમાં સાતમા પગાર પંચનો ત્રીજો હપ્તો ચૂકવી આપવા સહમતી સધાઈ હતી ઉપરાંત પગાર ગ્રેડ - પે માં વધારો કરવો, મોંઘવારી ભથ્થું આપવું, ડીએ આપવું, કોરોના કાળમાં ફરજ ઉપર અવસાન પામેલા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવા સહિતની 10 મુખ્ય માંગ પણ હકારાત્મક બનીને સ્વીકારવામાં આવતા એસટી કર્મચારી યુનિયન દ્વારા હડતાળ સમેટવા એલાન કરી તમામ કર્મચારીઓને રાબેતા મુજબ ફરજ બજાવવા સૂચના જારી કરી હતી.