આજે દેવી લક્ષ્મીનો પ્રાગટય દિવસ તથા મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતિ ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ. ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો મહિનાની પૂનમને શરદપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે આજે તા. 20 ઓક્ટોબરે શરદપૂનમ છે. શરદપૂનમને માણેક-ઠારી પૂનમ પણ કહેવામાં આવે છે. લોકો શરદપૂનમની રાત્રે સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીમાં દૂધ-પૌઆ આરોગવાની અનેરી મજા માણે છે. શરદપૂનમના દિવસે દેવી લક્ષ્મીનું પ્રાગટય થયું હોવાનું મનાય છે. તથા વાલ્મિકી ઋષિની જન્મજયંતિ પણ આ તિથિ છે. શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે શરદપૂનમે મહારાસની લીલા કરી હતી. શરદપૂનમે દૂધ-પૌઆ આરોગવાનું મહત્વ વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે, એનાથી શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે. ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીર કે દૂધ-પૌઆ અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે. આખી રાત્રિ અથવા અમુક કલાક દૂધ-પૌઆને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા મળે છે. દેવી લક્ષ્મીનો પ્રાગટય દિવસ પુરાણો પ્રમાણે જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂર્ણિમાએ મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા છે કે આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરીને કહે છે, કો જાગ્રિતિ। જેનો અર્થ થાય છે કે, કોણ જાગી રહ્યું છે? જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાએ રાતે જાગે છે, તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આથી, શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે. આ દિવસની લક્ષ્મી પૂજા તમામ ઋણમાંથી મુક્તિ અપાવે છે. તેથી શરદ પૂનમને ઋણ મુક્તિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વાલ્મિકી ઋષિની જન્મજયંતિ શરદપૂનમના દિવસે રામાયણના રચિયતા વાલ્મિકી ઋષિનો જન્મ થયો હતો. વાલ્મીકિ મહર્ષિ કશ્યપ અને અદિતિના નવમાં પુત્ર વરૂણ એટલે આદિત્ય સાથે તેમનો જન્મ થયો. તેમની માતા ચર્ષણી અને ભાઈ ભૃગુ હતાં. ઉપનિષદ પ્રમાણે તેઓ પણ પોતાના ભાઇ ભૃગુની જેમ પરમ જ્ઞાની હતાં. એકવાર ધ્યાનમાં બેઠેલાં વરૂણ-પુત્રના શરીરને કીડીઓએ રાફડો બનાવીને ઢાંકી દીધું હતું. સાધના પૂર્ણ કરીને જ્યારે તેઓ રાફડો જેને વાલ્મીકિ કહેવામાં આવે છે, તેમાંથી બહાર આવ્યાં ત્યારે તેમનું નામ વાલ્મીકિ પડ્યું. તેમના લખેલાં આદિકાવ્ય શ્રીમદવાલ્મીકીય રામાયણ સંસારનું સૌથી પહેલું કાવ્ય માનવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..