કોન્ટ્રાકટરના ધૂળિયા ડાયવર્ઝનના અનેક વાહનો ફસાયા પાંચ કિલોમીટરથી વધુ વાહનોના થપ્પા લાગતા પોલીસ દોડી ટંકારા : રાજકોટ મોરબી હાઇવેનું કામ કાળ ચોઘડિયે શરૂ થયું હોય તેવી સ્થિતિમાં રોજે રોજ કોઈને કોઈ ઘટનાઓ બને છે ત્યારે આજે મિતાણા ઓવરબ્રિજના કામમાં એક હેવી મિલર વાહન પલ્ટી મારી જતા લોકો બબ્બે કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા છે અને પાંચ પાંચ કિલોમીટર લાઈનો લાગતા પોલીસને દોડધામ કરવી પડી હતી. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ - મોરબી રોડ ઉપર મિતાણા ચોકડીએ આજે વહેલી સવારથી ચક્કાજામ સર્જાતા બે થી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા મહત્વના કામે નીકળેલા અનેક લોકોની રવિવારની રજા બગડી હતી. આજે વહેલી સવારે ઓવરબ્રિજના કંન્ટ્રકશન સાઈટનો માલ પરિવહન કરતા હેવી મિલર વાહન પલટી જઈ નામ પુરતા કાઢેલા ડાયવર્ઝન ઉપર આવી જતા રાજકોટ અને મોરબી બન્ને તરફનો માર્ગ બ્લોક થઈ રસ્તો લોક થઈ ગયો હતો. આ અકસ્માત બાદ ૧૦ વાગ્યા સુધી પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવા દોડધામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઇવે ફોરલેનના કામમાં શરૂઆતથી વિવાદમાં રહેલા આ કામના કોન્ટ્રાક્ટરે માત્ર એક બાજુ ધુળ નાખી ડાયવર્ઝન કરી નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચાલકો માટે આફત નોતરી હોવા છતાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે રાજયમંત્રી આ બાબતે હરફ સુધા ઉચારતા ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..