પ્રાચીન ગરબીઓમાં માતાજીની વેશભૂષા ધારણ કરીને કોરોના નામના રાક્ષસનો વધ કરવાની પ્રાર્થના કરાઈ મોરબી : આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ હવે અંતિમ ચરણમાં પહોંચી ચુક્યો છે.ત્યારે મોરબીમાં ગઈકાલે રાત્રે દુર્ગા અષ્ટમી એટલે આઠમ નિમિતે મોટાભાગની પ્રાચીન ગરબીઓમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા. પ્રાચીન ગરબીઓમાં માતાજીની વેશભૂષા ધારણ કરીને કોરોના નામના રાક્ષસનો વધ કરવાની પ્રાર્થના કરાઈ હતી. સાથેસાથે મહાઆરતી કરીને માં શક્તિની ભાવ વંદના કરવામાં આવી હતી. મોરબીમાં શેરી ગલી, વિસ્તાર કે સોસાયટીમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચાચર ચોકમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં માતાજીની ભક્તિ ચરમસીમાએ પહોંચી ગઈ છે તમામ ગરબીઓમાં રાત પડે ને રાસ ગરબાની રમઝટ જામેં છે. ત્યારે ગઈકાલે રાત્રે મોટાભાગની પ્રાચીન ગરબીઓમાં દુર્ગા અષ્ટમી એટલે આઠમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને મહાઆરતી સાથે જગત જનની જગદંબાની ભક્તિ કરવામાં આવી હતી. જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં મા ગરબીમાં માતાજીની વેશભૂષા ધારણ કરી આઠમની ઉજવણી કરાઈ હતી. તેમજ કાન્તિજ્યોત ટાઉનશીપ મહેન્દ્રનગરની ગરબીમાં તથા સામેના પ્રભુટાઉનશિપની ગરબીમાં માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને નવદુર્ગા ગરબી મંડળ રાજનગર પંચાસર રોડની ગરબીમાં માતાજીની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરવામાં આવી હતી. આમ દરેક ગરબીમાં આઠમની મહાઆરતી કરીને કોરોના નામના રાક્ષસને વધ કરવાની પ્રાર્થના કરાઈ હતી.