દેશનો વિકાસ ચરમ સીમાએ ખાદ્યતેલ બાદ શાકભાજીના ભાવની બેવડી સેન્ચુરી તરફ આગેકૂચ મોરબી : દેશમાં વિકાસ બંબાટ ગતિએ આગળ ધપી રહ્યો છે અને આ વિકાસની પ્રતિતિ બંગલાથી લઈ ઝૂંપડામાં રહેતા તમામ લોકોને એકસમાન રીતે થઇ રહી છે, જીવનજરૂરી દૂધના ભાવ હોય કે દવાના ભાવ હોય, શાકભાજીના ભાવ હોય કે પછી ખાદ્યતેલના ભાવ હોય કે પછી પેટ્રોલ ડીઝલના ભાવ હોય સર્વત્ર વિકાસ,વિકાસ ને વિકાસ જ છવાયેલ હોય હવે દિલ્હી બાદ મોરબીમાં પણ પ્રતિલિટર પેટ્રોલ રૂ.101.67, ડીઝલના રૂ.100.91 પૈસા પહોંચી જતા લોકોને રોજેરોજ લગ્ન સમારોહમાં જઈ ચાંદલો કરતા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. જો કે, મોંઘવારીમાં હવે ચાંદલો પણ રૂ.500 મિનિમમ થયો હોય વિકાસની આગેકૂચ જારી રહેશે તો લોકો 500નો ચાંદલો કરતા પણ ખચકાટ નહીં અનુભવે!! છેલ્લા એકાદ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ રાજાની કુંવરીની જેમ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના આ ભાવ વધારાને પગલે જીવનજરૂરી તમામ ચીજો પણ મોંઘી બની રહી છે.એ જ રીતે ખાદ્યતેલના ભાવ પણ વિક્રમી સપાટી વટાવી ચુક્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ઇતિહાસ રચાયો છે અને તારીખ 6 ઓક્ટોબરથી મોરબીના શહેરીજનોને દિલ્હી મુંબઈ જેવો અનુભવ થવાનો ચાલુ થયો છે. તા.6ના રોજ પ્રથમ વખત મોરબીમાં લીટર પેટ્રોલના ભાવ રૂ.100.32 પૈસા થયા બાદ વિકાસની આ વણથંભી વણઝાર આજે પણ યથાવત ચાલુ રહેતા આજે એક લીટર પેટ્રોલના રૂ.101.67 અને ડીઝલ પ્રતિ લીટરના રૂ.100.91 પૈસા થવા પામ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબીને ઐતિહાસિક ટોચે પહોંચવાથી અનેક લોકોના બજેટ ખોરવાઈ ગયા છે અને પેટ્રોલના રોજિંદા ખર્ચમાં કપ મુકવાનું શરૂ કર્યું છે પરંતુ સાચા દેશભક્ત લોકો આ ભાવ વધારાને દેશહિતમાં જરૂરી ગણાવી રહ્યા છે !!! મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..