કહેવાતા પેરિસના અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છતાં તંત્ર લાઈટો ચાલુ કરવામાં શુભ ચોઘડિયાની રાહ જોઈ રહ્યું છે ? સામાજિક કાર્યકરોનો આક્રોશ, કલેક્ટરને રજુઆત કરીને લાઈટો ચાલુ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું મોરબી : કહેવાતા નામ માત્રના પેરિસ એટલે કે મોરબીમાં ઠેરઠેર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. લાંબા સમયથી અંધારપટ્ટ હોવા છતાં હજુ તંત્ર નિંદ્રાધીન હોય તેંમ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની કોઈ તસ્દી લેવાતી નથી.ત્યારે મુખ્યમાર્ગો તેમજ અનેક વિસ્તારોમાં ઘણા સમયથી અંધારપટ્ટ છતાં હજુ તંત્ર લાઈટો ચાલુ કરવામાં ક્યાં શુભ ચોઘડિયાની રાહ જોઈ રહ્યું છે ? તેવા આક્રોશ સાથે સામાજિક કાર્યકરોએ કલેક્ટરને રજુઆત કરી વહેલી તકે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવવાની માંગ કરી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે, શહેરના સામાકાંઠે નટરાજ ફાટકથી સ્મશાન રોડ ઉપર છેલ્લા સાત મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. તેમજ પી.ડબ્લ્યુ, ડી. કચેરી તથા ત્રાજપર ચોકડીથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર અમુક લાઈટો ચોરાઈ ગઈ અને અમુક લાઈટો બે માસથી બંધ છે. આ ઉપરાંત ઉમા ટાઉનશીપથી ધરમપુર જીઇબીવાળા રોડ ઉપરની લાઈટો છેલ્લા સાત મહિનાથી બંધ અને સ્મશાન રોડ પરની લાઈટો ગુમ છે. વધુમાં જણાવ્યું હતું કે,અયોધ્યાપુરી મેઈન રોડ જલારામ મંદિરવાળો આખો પટ્ટો અંધારપટ્ટ છે. તેમજ કેનાલ રોડ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી, વીસી ફાટકથી ધક્કાવાળી મેલડી માતાના મંદિર સુધી અંધારપટ્ટ છે. જો કે આવા અનેક મુખ્ય વિસ્તારમાં લાઈટો બંધ છે તો ઘણી જગ્યાએ લાઈટ જ ગુમ છે. આ લાઈટો ચોરી થઈ કે કેમ તે તપાસનો વિષય છે.પણ લાખો રૂપિયાના કરવેરા ભરતા લોકોને સુવિધાને બદલે અસુવિધા જ મળે છે. તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં લાઈટો ચાલુ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમાંય હવે ધાર્મિક તહેવારો શરૂ થઈ ગયા છે.તેથી રોશની જરૂરી છે. આવા સંજોગોમાં 15 દિવસમાં લાઈટો ચાલુ ન થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..