શક્તિની ભક્તિનો અનેરો અવસર એટલે નવરાત્રી આ વર્ષે ચોથની તિથિનો ક્ષય હોવાથી આઠ નોરતાં શક્તિની ભક્તિનો અનેરો અવસર એટલે નવરાત્રી. માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો સુદ એકમથી આસો સુદ નોમ, એમ નવ દિવસ ચાલતા સૌથી લાંબા તહેવાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ નોરતાંને શારદીય નવરાત્રિ અથવા શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં ઘટમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન કરવામાં આવે છે. તેમજ આબાલવૃદ્ધ સૌ ગરબે ઘૂમી ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાવભેર નવરાત્રી ઉજવે છે. આ વર્ષે આજે તા. 07 ઑક્ટોબર ગુરુવારથી 14 ઑક્ટોબર સુધી નવરાત્રીનો તહેવાર છે. આ વર્ષે નવ નોરતાંની જગ્યાએ આઠ નોરતાં છે. ચોથ તિથિનો ક્ષય હોવાથી એક નોરતું ઓછું છે. કહેવાય છે કે નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે એ વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે. આ વખતે નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે, એટલે દેવી દુર્ગા ડોલીમાં સવાર થઈને આવશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન મા દુર્ગાનું પ્રથમ દિવસનું સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે. જે માતાના નવ સ્વરૂપમાં પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાય છે. પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મૂલાધાર ચક્ર’માં સ્થિર કરે છે. સાધનાનો આરંભ અહીંથી થાય છે. માતા પાર્વતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કર્યું અને પછી પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ ધારણ કર્યો અને એટલે એનું નામ શૈલપુત્રી તરીકે પ્રસિદ્ધ થયું. તેમનું વાહન વૃષભ (બળદ) છે. દેવાધિદેવ ભગવાન શિવ તેમના પતિ છે. વિવિધ નવરાત્રી ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી થાય છે. શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. ચૈત્ર નવરાત્રીનો અંત રામનવમીથી થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. 1. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. 2. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે. 3. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે. 4. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે. 5. (વૈકલ્પિક) માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ - અજવાળીયું) દરમ્યાન પૂજન-અર્ચન કરાય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..