માલણીયાદ ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે જ ત્રણ દિવસમાં 20થી વધુ હોલાના મોત મોરબી : હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી શાંત અને ગભરુ પક્ષી ગણાતા હોલના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે. ગળાના ભાગે સોજો આવ્યા બાદ મોતને ભેટી રહેલા હોલા અંગે પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને માલણીયાદ ગામની સીમમાં હોલા પક્ષીના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે. માલણીયાદ ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે મંદિરની જગ્યામાં લીલોતરી અને ઘટાટોપ વૃક્ષો હોવાથી અનેક પક્ષીઓ આશ્રય લ્યે છે જેમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હોલા પક્ષી અચાનક જ મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ મંદિરના મહંત દ્વારા હોલા પક્ષીઓના મોત અંગે પશુપાલન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. જો કે, પશુપાલન વિભાગે સ્થળ તપાસ કરવાને બદલે હોલના મૃતદેહને હળવદ ખાતે મોકલી આપવા રોકડો જવાબ પરખાવી દીધો હોવાથી પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ જાગ્યો છે. જો કે, પશુપાલન વિભાગની ઢીલી નીતિને કારણે હાલ તો હોલા પક્ષીના મોત અંગેનું રહસ્ય ઉકેલાયું નથી ત્યારે સીમ વિસ્તારમાં ઝેરી પદાર્થ ચણવાથી કે પછી કોઈ ભેદી રોગચાળાથી હોલાના મોત થઈ રહ્યા હોવાનું મનાય રહ્યું છે. નોંધનીય છે કે શિયાળામાં બર્ડ ફ્લુનો ખતરો વધતો હોય હોલા પક્ષીના ટપોટપ મૃત્યુ નિપજવા મામલે તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..