ઓછું કમિશન અને કેરોસીનના કાળા બજાર બંધ થતાં વાજબી ભાવની દુકાનોનો મોહભંગ રાજ્યભરમાં 1,455 દુકાનો બંધ મોરબી : સસ્તા અનાજની દુકાન ચલાવવામાં હવે ઓછુ કમિશન ઉપરાંત કેરોસીન બંધ થવાની સાથે કાળા બજારી બંધ થતાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સામે ચાલીને રાજીનામા ધરી રહ્યા છે.મોરબી જિલ્લામાં આવી 59 દુકાનોને અલીગઢિયા લાગ્યા છે. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સતાવાર આંકડા મુજબ રાજ્યમાં 1455 વ્યાજબી ભાવની દુકાનો બંધ થઇ છે. હાલ ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારો સરકારના વલણથી નાખુશ છે. અનેક રજૂઆત છતાંય પુરતુ કમિશન મળતુ નથી. અનાજની ઘટ સહિતના કારણોસર નુકશાન થઇ રહ્યુ છે.ઉપરાંત કેરોસીન બંધ થતાં વ્યાજબી ભાવનો ધંધો હવે રસ કસ વગરનો થયો છે. સરકાર દ્વારા ઓનલાઇન અનાજ વિતરણ કરાતા કમ્પ્યુટર, દુકાનના ભાડાં, હેલ્પર સહિત અન્ય ખર્ચમાં વધારો થયો છે પરિણામે વ્યાજબી ભાવની દુકાન ચલાવવુ પોષાય તેમ નથી. આ કારણોસર 729 દુકાનદારોએ સામે ચાલીને રાજીનામુ આપ્યુ છે. સમગ્ર રાજ્યમાં કુલ મળીને 1455 વ્યાજબી ભાવની દુકાનો બંધ થઈ છે જેમાં અમદાવાદમાં 168, મહેસાણામાં 73, અમરેલીમાં 159, કચ્છમાં 99, ભાવનગરમાં 61, વડોદરામાં 133, મોરબીમાં 59, રાજકોટમાં 115, સુરતમાં 169, વ્યાજબી ભાવની દુકાનો બંધ થઇ છે. નોંધનીય છે કે ગેરરીતિ સબબ પોલીસ કેસને લીધે 99 દુકાનો બંધ કરાઇ છે ઉપરાંત શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં 351 દુકાનો બંધ પડી છે. 111 સંચાલકોના અવસાન થતા દુકાનોને તાળા વાગ્યા છે. વ્યાજબી ભાવની દુકાનો બંધ થતાં કાર્ડધારકોને અન્ય દુકાનોથી અનાજ,કેરોસીનનો જથ્થો મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને મોરબી સહિત અનેક જિલ્લામાં નવી દુકાનો શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે પરંતુ હવે ધંધામાં રસક્સ ન હોય કોઈ આવી વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા આગળ આવતા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..