સરકારને કાંઈ ફરક નથી પડતો પ્રજાનો મરો : ગામડે - ગામડે પ્રજાના કામો અટક્યા મોરબી : જિલ્લા અને તાલુકા પંચાયત કચેરીઓમાં એક પછી એક કર્મચારીઓએ તંત્ર સામે મોરચો ખોલી આંદોલન શરુ કરતા ગામડાઓમાં સરકારી સેવાઓ ખોરવાઈ ગઈ છે. તલાટી કમ મંત્રી, બાદ વિલેજ કોમોયુટર ઓપરેટરો અને હવે ઇ ગ્રામ હેઠળ કામ કરતા કર્મચારીઓને પગાર સહિતના પ્રશ્ને લડતનું રણશીંગુ ફૂંકતા ગ્રામ્ય પ્રજાનો મરો થયો છે. રાજ્યના પંચાયતી તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીને લઈ માસ સીએલ અને પેન ડાઉન કરી છે ત્યારે બીજી તરફ મગફળીની નોંધણી, જન્મ - મરણનાં દાખલા કઢાવવા સહિતની કામગીરી સંભળતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પણ લડત શરૂ કરતાં પ્રજાજનોને કચેરીઓના ધક્કા થઈ રહ્યા છે. જો કે પ્રજાને સ્પર્શતી બાબતોમાં તકલીફ પડવા છતાં સરકારને આ લડતથી કોઈ ફરક પડ્યો નથી. દરમિયાન તલાટી, વીસીઈ બાદ હવે ઈ ગ્રામ હેઠળ કામ કરતા ટીએલઈ અને ડીએલઈ કર્મચારીઓનું આઉટ સોર્સિંગ એજન્સીઓ દ્વારા શોષણ કરાતું હોવાથી પગાર સીધો કર્મચારીઓનાં ખાતામાં જમા કરાવવા અને અનિયમીત પગાર થઈ રહ્યાનો આક્ષેપ કરી કર્મચારીઓ દ્વારા સુરક્ષા સહિતની માગણીઓ કરી જિલ્લા પંચાયતમાં ડીડીઓને આવેદનપત્ર આપ્યુ હતુ. વર્ષ ર૦૦૭ થી ઈ ગ્રામ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હોવા છતાં કર્મચારીઓને પટાવાળા કરતા ઓછું વેતન આપવામાં આવતું હોવાથી કામ મુજબ પગાર મળે, લગ્ન થવાના કિસ્સામાં એક વખત બદલીનો લાભ મળે તે સહિતની જુદી - જુદી માંગ રજૂ કરી લડત શરૂ કરવામાં આવી છે.