આરીફ મીરની ગેંગનો સફાયો કરવા પોલીસ મક્કમ : છેલ્લા દાયકામાં ધાકધમકી, જમીન કૌભાંડ સહિતના ગુન્હા આચરનાર ગેંગને ઝેર કરાશે મોરબી : મોરબીના મમુ દાઢી હત્યા કેસમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલેકે ગુકસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આજે આ ગુન્હાના મુખ્ય સૂત્રધાર એવા આરીફ મીરની ગેંગના ત્રાસમાંથી મોરબીને મુક્ત કરાવવા વધુ બે શખ્સોની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મોરબીના શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ પાસે ગત તા.7 સપ્ટેમ્બરના રોજ ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુંધ ફાયરીંગ કરી મહમદ હનીફભાઇ ઉર્ફે મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના બનાવમાં આરીફ ગુલામભાઇ મીર તથા રફીક માંડવીયા સહિત નવ ઈસમો સામે નામજોગ તથા ચાર અજાણ્યા વ્યક્તિ મળી કુલ-૧૩આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવ બાદ મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કુલ-૧૧ આરોપીઓ પકડી પાડવામાં આવેલ. આ તમામને અટક કરી રીમાન્ડ મેળવવામાં આવેલ અને તપાસ દરમ્યાન આ આરોપીઓએ સંગઠીત ગુન્હા ટોળકી બનાવી આ ગુન્હો આચરેલ હોવાનુ ધ્યાનમાં આવતા સંગઠીત ગુન્હા આચરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર આરીફ ગુલામભાઇ ધોળા, મીર તથા તેના સાગરીતોએ મળી મોરબી શહેરમાંખુન, ખુનની કોશિષ, લુંટ, રાયોટીંગ, સરકારી નોકર પર હુમલો, ધાકધમકી, જમીન પચાવી પાડવા અર્થે ખોટા દસ્તાવેજો બનાવવા, ખંડણી વિગેરે ગુન્હાઓ આચરેલ હોવાનુ ફલીત થતા પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે.જેમાં આજરોજ આ ગેંગના રીયાજ ઇકબાલ જુણાચ રહે. મોરબી, કાલીકા પ્લોટ અને મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદભાઇ દાવલીયા રહે. મોરબી વાળાની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વધુમાં મોરબી શહેરની સામાન્ય પ્રજામાં પોતાની ધાક ઉભી કરી વર્ચસ્વ જમાવી કાયદો વ્યવસ્થા તેમજ જાહેર શાંતિનો ભંગ કરી છેલ્લા દસેક વર્ષમાં દહેશતનુ વાતાવરણ ઉભુ કરનાર આરીફ મીરની સંગઠીત ગુન્હા ટોળકી તથા તેના સાગરીત વિરૂધ્ધ ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરી કરવામાં આવેલી કાર્યવાહીમાં જેમ જેમ ઉંડાણપુર્વક તપાસ થતી જશે અને જે જે આરોપીઓના નામ ખુલશે તેઓ વિરૂધ્ધ પણ આ કાયદાની જોગવાઇ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ગુન્હાની તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઇ ચલાવી રહેલ છે. ત્યારે સંગઠીત ગુન્હા ટોળકીના મુખ્ય સુત્રધાર આરીફ મીર વતી આજે ઝડપાયેલા રિયાઝ અને મુસ્તુફાએ આ ગેંગના સભ્ય તરીકે ભુતકાળમાં ખુનની કોશીષ, રાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ આચર્યા હોય બન્નેની વિધિવત ધરપકડ કરી મોરબીને ગુંડા મુક્ત બનાવવા પોલીસે કમર કસી છે.