પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં ઓપરેશન થિયેટર સહિતની સુવિધા : ટેન્ડર પ્રસિદ્ધ મોરબી : મોરબીમાં કાળામાથાના માનવી માટે આધુનિક હોસ્પિટલ બને કે ન બને પરંતુ હાલ તો અબોલ જીવના નસીબ બળિયા પુરવાર થયા છે. પશુપાલન વિભાગ દ્વારા અહીંના પંચાસર રોડ ઉપર રૂપિયા 3.78 કરોડથી વધુના ખર્ચે આધુનિક વેટરનરી પોલીક્લીનીક બનાવવા મંજુર કરવામાં આવ્યું છે અને આ માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાંથી અલાયદા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવેલ મોરબી જિલ્લામાં મંથર ગતિએ વિકાસના કામો અને પાયાની જરૂરિયાતો સાકાર થઇ રહી છે ત્યારે ઔધોગિક અને કૃષિ હબ ગણાતા મોરબી જિલ્લામાં આધુનિક સિવિલ હોસ્પિટલની સાથે પશુધન માટે પણ આધુનિક સારવાર કેન્દ્રની આવશ્યકતા જરૂરી બની છે ત્યારે માણસો કરતા મોરબીના પશુધનના નસીબ બળુકા સાબિત થયા હોય તેમ પશુપાલન વિભાગ દ્વારા આધુનિક વેટરનરી પોલીક્લીનીક એટલે કે સુવિધા યુક્ત ઘનિષ્ઠ પશુ સારવાર કેન્દ્ર મંજુર કરવામાં આવ્યું છે. વધુમાં આ વેટરનરી પોલીક્લીનીક નિર્માણ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, અહીના પંચાસર રોડ ઉપર ક્રિષ્ના પાર્ટી પ્લોટની પાછળના ભાગે વિશાળ જગ્યામાં રૂપિયા 378.97 લાખના ખર્ચે પશુ સારવાર કેન્દ્ર નિર્માણ કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે અને ટૂંક સમયમાં જ નિર્માણકાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે. મોરબી જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી ડો.જે.પી.ઉઘરેજાએ વેટરનરી પોલીક્લીનીક અંગે જણાવ્યું હતું કે, આધુનિક પશુ સારવાર કેન્દ્રમાં નાના-મોટા પશુઓ માટે ઓપરેશન થિયેટર,આધુનિક લેબોરેટરી, ઓપરેશન બાદ એકાદ બે દિવસ માટે પશુઓને ઇન્ડોર સારવાર સહિતની અનેક સુવિધાઓનો લાભ મળી શકશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..