પરપ્રાંતીય શ્રમિકો અને રાજ્યના અન્ય જિલ્લામાંથી રોજગારી મેળવવા આવતા લોકોને સરાજાહેર લુંટતી ગેસ એજન્સીઓ પુરવઠા તંત્ર અને ઓઇલ કંપનીઓનું ભેદી મૌન મોરબી : ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરનાર મોરબી શહેર અને જિલ્લામાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાંથી રોજગારી મેળવવા આવેલા નાગરિકો વસવાટ કરી રહ્યા છે ત્યારે આવા નાગરિકોને લૂંટવા ઓઇલ એજન્સીએ જાણે મોરબી શહેર અને જિલ્લાની ગેસ એજન્સીને પીળો પરવાનો આપ્યો હોય તેવી સ્થિતિમાં ગેસ એજન્સીના માલિકો ગેસના બાટલાની કાળાબજારી કરવા ઉપરાંત દૂરના વિસ્તારમાં બાટલાની ડીલેવરી આપવાનો નનૈયો ભણી દઈ જો એક બોટલના રૂ.100 વધારે ચુકવવામાં આવે તો ફટાફટ ડીલેવરી આપવામાં આવતી હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. મોરબી શહેરની જ ગેસ એજન્સીઓના હજારો ગ્રાહકો આવી મનમાનીનો ભોગ બનવા છતાં પુરવઠા વિભાગ પણ આ બાબતે અજાણ છે. પાઈપલાઈન ગેસના જમાનામાં રાંધણગેસના બાટલા હવે આઉટ ઓફ ડેટ બન્યા છે અને ગેસ એજન્સીના મલાઈદાર ધંધામાં ઓટ આવી છે. આમ છતાં જ્યાં પાઈપલાઈન ગેસની સુવિધા નથી તેવા વિસ્તાર અને ખાસ કરીને રોજીરોટી કમાવા દૂરદરાજ વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈને આવતા લોકોને ખુલ્લેઆમ લૂંટી ગેસ એજન્સીઓ કાળાબજારનો ધીકતો ધંધો કરી મજબુર લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલી લક્કી ગેસ એજન્સીના ગ્રાહક પણ આવી જ માનમાનીનો શિકાર બન્યા છે. મૂળ સુરેન્દ્રનગરના વતની ડોલર ધનજીભાઈ ચુડાસમા છેલ્લા બે-અઢી વર્ષથી મોરબીના જુના ઘુટું રોડ પર આવેલ નોબેલ સેનેટરીવેર્સ કંપનીના રોજગારી માટે આવ્યા છે. અને અગાઉ જાણકારીના અભાવે કાળાબજારમાં અઢીસો-ત્રણસો રૂપિયા વધુ ચૂકવી ગેસ સિલેન્ડર મંગાવતા હતા. પરંતુ સરકારની યોજના અંગે જાણકારી મળતા તેમને પોતાનું સુરેન્દ્રનગરનું કનેક્શન મોરબીની લક્કી ગેસ એજન્સીમાં ટ્રાન્સફર કરાવી રાહતનો દમ લીધો હતો. પરંતુ લક્કી એજન્સી દ્વારા હવે તમારો વિસ્તાર કોમર્શિયલ હોય ઘરે ડીલેવરી નહીં મળે એવું રોકડું પરખાવી દઈ બાટલો જોઈતો હોય તો અહીં આવીને લઈ જાય તેવા ઉડાઉ જવાબ આપવાનું ચાલુ કરતા તેમને ઓઇલ કંપનીમાં ફરિયાદ કરી હતી પણ ત્યાં પણ સંતોષકારક જવાબ મળ્યો નથી. બીજી તરફ આ લક્કી ગેસ એજન્સીના ડિલિવરીમેન ગેસ ગ્રાહક જો 100 રૂપિયા વધારે ચૂકવે તો ઘરે બાટલો પહોંચાડી આપે છે. આ સંજોગોમાં બહારગામ કે પરપ્રાંતથી રોજી રોટી મેળવવા આવેલા હજારો કુટુંબોને લક્કી જેવી અન્ય ગેસ એજન્સી લૂંટી રહી છે ત્યારે જિલ્લા પુરવઠા તંત્ર અને ઓઇલ કંપનીએ સાથે મળી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. જેથી કરીને બહારથી આવતા કુટુંબો લુંટાતા બચી શકે. ચોંકાવનારી અને ગંભીર બાબતતો એ છે કે કેન્દ્ર -રાજ્ય સરકાર દ્વારા હાલમાં ઉજ્જવલા યોજના અમલી બનાવી લોકોને ગેસ વપરાશ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે લૂંટારુ ગેસ એજન્સીઓ દ્વારા કાળા-ધોળા કરી કોઈનો બાટલો કોઈને પધરાવી કાળાબજારીનો ધીકતો ધંધો કરી રહ્યા છે ત્યારે આ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલાય ભોપાળા છતા થાય તેમ હોવાનું મનાઈ રહ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..