જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષનો હંગામો : તમારે જેટલા ખર્ચવા હોય એટલા ખર્ચો પણ અમને ચેમ્બર આપો મોરબી : મોરબી જિલ્લાની પ્રજા મગરની પીઠ નહીં પણ ઊંટના ઢેકા જેવા રસ્તા ઉપર પસાર થઈને પોતાના હાડકા ભંગાવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના એક મહિના માટે બનેલા ઇન્ચાર્જ પ્રમુખે આજે સામાન્ય સભામાં જૂની ઇનોવાને બદલે નવી નક્કોર ગાડી ખરીદવા ઉપરાંત પ્રમુખના વૈભવી બંગલા માટે જૂની કચેરીમાં રૂપિયા 25 લાખના ખર્ચે રીનોવેશન કરવા પ્રમુખસ્થાનેથી દરખાસ્ત રજુ કરતા કોના બાપની દિવાળી જેવો ઘાટ સર્જાયો છે.જો કે, બહુમતીના જોરે આ દરખાસ્ત પાસ જ થવાની છે ત્યારે વિપક્ષે તમારે જેવા અને જેટલા ખર્ચ કરવા હોય એ કરો પણ અમને બેસવા ચેમ્બર આપો એવી માંગ દોહરાવી હતી. મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે સતા ઉપર આવેલ ભાજપ હવે રાજાશાહી વૈભવી શાસન કરવા મશગુલ બન્યું હોય તેવી સ્થિતિ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળી હતી. આજની સામાન્ય સભામાં અગાઉની બેઠકની કાર્યવાહી મંજુર કરવી અને રેતી-કપચી તથા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસકામો કરવાના એજન્ડા સિવાય વિપક્ષ કે પક્ષના સભ્યોનો પ્રશ્નોત્તરીનો મુદ્દો ઉડાવી દેવામાં આવ્યો હતો અને પ્રમુખ સ્થાનેથી પ્રજાના પૈસાને મોજથી ઉડાવવા માટે જૂની ગાડીને બદલે પ્રમુખ માટે વૈભવી ગાડી ખરીદવા ઉપરાંત જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની પેટ કચેરી જ્યાં આવેલી છે તેવા એલ.ઈ.કોલેજ રોડ ઉપર પ્રમુખ માટે બંગલો બનાવવા દરખાસ્ત રજુ કરી રૂપિયા બે પાંચ લાખ નહીં પરંતુ પુરા 25 લાખ રૂપિયાનું આંધણ કરવા પ્રમુખે દરખાસ્ત રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે અને નાના કોન્ટ્રાકટરોને બદલે મગરમચ્છ જેવા મોટા કોન્ટ્રાકટરોને લાભ મળે તેવી એક લાંબાગાળાની સ્કીમ પણ પ્રમુખ સ્થાનેથી રજૂ કરી 15માં નાણાપંચના આયોજન અન્વયે જે જે કામો એક સરખા હોય તેવા કામોને વિભાજન કરી એક જ કોન્ટ્રાક્ટરને ફાળવવા પણ આશ્ચર્ય જનક દરખાસ્ત ઇન્ચાર્જ પ્રમુખે કરી હતી. આજની સામાન્ય સભામાં આશ્ચર્યજનક બાબત તો એ રહી કે જિલ્લા પંચાયતની જૈવ વિવિધતા સમિતિમાં નારાજ સભ્ય ઝાહિર અબ્બાસ સેરસિયાની નિમણુંક કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કારણોસર ફરી પાછું ખડું થયું હોય તેવી સ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાને સમિતિના પ્રમુખ બનાવી નારાજ સભ્યનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સામાન્ય સભામાં વાંકાનેરના જુના આરામગૃહની મરામત કરવી, મંજુર થયેલ માળીયા સબ સેન્ટરને મેઘપર ફાળવવું, નવી કચેરીની લિફ્ટનો 15 વર્ષ માટે કોન્ટ્રાકટ કરવા સહિતની બાબતોનો સમાવેશ કરાયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..