મોરબી : ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સીઝન અને બીમારીનું પ્રવેશદ્વાર. વર્ષાની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો. ભાદરવામાં દિવસે ધોમ ધખે (તડકો ખુબ હોય) અને મોડી રાત્રે ઠંડક હોય, ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષાઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય અને શરદઋતુમાં તે પિત્ત પ્રકોપે (બહાર આવે). આ પ્રકોપવું એટલે તાવ આવવો, ગરમી શરીરની બહાર નીકળવી. ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટીની 2 ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. (૨) ભાદરવા સુદ 3 (કેવડા ત્રીજ) નું વ્રત અને ભાદરવા સુદ 4 (ગણેશ ચતુર્થી) થી 11 દિવસ ગણેશજીની દૂર્વા અને દેશી ગોળ - દેશી ઘીના ગોળાકાર લાડુથી આરાધના કરવામાં આવે છે, જે પિત્તપ્રકોપને શાંત કરે છે. (૩) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર, ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. (૪) 'ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો કોઈ ના આપે તો ઝુટાવીને પણ ખાવું.' જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલા એક કેળાને છુંદીને એમાં ઘી, સાકર, ત્રણ ઈલાયચી ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. (જો ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું) (૫) ભૂલેચૂકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક અને બપોરે જ ભોજન પછી તરત જ લેવાય. (૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલું ચાલવું. શરીરની અનુકુળતા હોય તો 5 કિલોમીટર દોડવું. (૬) નવરાત્રિમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબાના આયોજન પાછળનું કારણ આ જ છે. શરદ પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઉઠેલ ચંદ્રને ધરાવેલ દૂધ-પૌવા જ આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. અને 'યમની દાઢ' પણ કહી છે. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો. शतम् जीवेम् शरद એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી. સૌજન્ય : રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી નિષ્ણાત) મો. 97226 66442 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..