મોરબી-માળીયા હાઇવે ઉપર અને જાંબુડિયા નજીક મસમોટા ખાડામાં ઊંધે માથે ખાબકે છે વાહન ચાલકો મોરબી : મોરબી-કચ્છ હાઇવે અને મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હાઇવે ઓથોરિટીની જીવલેણ બેદરકારી સામે આવી છે. મોરબીથી માળીયા તરફ જતા અને મોરબીથી વાંકાનેર તરફ જતા હાઇવે ઉપર મોતના ખાડામાં દરરોજ નિર્દોષ વાહન ચાલકો ખાબકી રહ્યા હોવા છતાં વર્ષે દહાડે કરોડોનો ટોલટેક્સ ઉઘરાવતી હાઇવે ઓથોરિટી હાથ ઉપર હાથ ધરીને બેઠી છે. એક તરફ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી લોકોને ખાડા મુક્ત રોડ માટે ખાડાના ફોટા પાડીને મોકલવા અનુરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ઈ-હાઈવેની વાતો કરી રહ્યા છે તેવા સમયે મોરબી-કચ્છ હાઇવે અને મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હાઇવે ઓથોરિટીની જીવલેણ બેદરકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા હોવાની વિગતો સામે આવી છે. મોરબીથી વાંકાનેર તરફ જતા નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા નજીક મસમોટો મોતના કુવા સમાન ખાડો પડી ગયો છે અને એજ રીતે મોરબીથી કચ્છ તરફ જતા હાઇવે ઉપર તો ઠેક ઠેકાણે જીવલેણ ખાડાઓ અકસ્માત નોતરી રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસુલ કરતી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ હાથ ઉપર હાથ ધરી માત્ર એસી ઓફિસોમાં બેસીને તાગડધિન્ના કરી રહ્યા હોવાની હકીકત વચ્ચે નિર્દોષ લોકો અકસ્માતે મોતને ભેટી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..