પાલિકાએ ફટાફટ પ્રતિમાની મરામત કરી : શાસકો લખલૂંટ કરે છે પરંતુ રાષ્ટ્રપિતાની જર્જરિત પ્રતિમા પ્રત્યે ધ્યાન ન આપતા બીજી વખત પ્રતિમા ખંડિત મોરબી : મોરબીના ગાંધીબાગ નજીક આવેલ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાનું ધડ, માથું આજે અલગ થઈ જતા ગાંધીવાદી વિચાર ધરાવતા લોકો અને આમ જનતાના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે, પાલિકાને ઘટનાની જાણ થતાં મરામત કાર્ય કરી પુનઃ ધડ માથું જોડી દેવામાં આવ્યા હતા. મોરબી શહેરની મધ્યમાં ગાંધીબાગ પાસે રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની પ્રતિમા મુકવામાં આવેલી છે.વર્ષો જુની આ પ્રતિમા જર્જરિત થઈ ગઈ હોવાથી આ અગાઉ પણ એક વખત ખંડિત થઈ ચુકેલી પ્રતિમાનું આજે ધડથી માથું અલગ થઈ નીચે પડી જતા જાગૃત લોકોએ આ બાબતે સંબંધિત પાલિકા તંત્રનું ધ્યાન દોરતા પાલિકા દ્વારા તાબડતોબ પ્રતિમાનું સમારકામ કરી ધડ માથું પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યું હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા સીરામીક સિટીમાં શાસકો અનેક અણઘડ ખર્ચાઓ કરે છે પરંતુ રાષ્ટ્રપિતાની ખંડિત પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા મુકવાનો સારો વિચાર હજુ સુધી કોઈ પણ પક્ષના નેતાને આવતો નથી તે મોરબીની કમનસીબી છે.