જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે નક્કર પગલાં લેવાને બદલે નજીકમાં જ બદલી કરી સંતોષ માન્યો મોરબી : વડાપ્રધાન મોદીના જન્મદિવસે કોરોના વેક્સીન આપવાનો કીર્તિમાન સ્થાપવાની લ્હાયમાં મોરબી શહેરના એક આરોગ્ય કેન્દ્ર ઉપર સ્વર્ગસ્થ વ્યક્તિને કોરોના રસી આપી આંકડા વધારે બતાવવા ત્રાગું રચ્યું હતું પરંતુ જાગૃત નાગરિકના મોબાઈલ ફોનમાં આવેલા એસએમએસથી આ ભોપાળું છતું થઇ જતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો અને ગાંધીનગરથી પગલાં ભરવા આદેશો છૂટતા અંતે આ મામલે પગલાં ભર્યા હોવાનું નાટક કરી આરોગ્ય અધિકારી દ્વારા ગામમાં ને ગામમાં ત્રણેક કિલોમીટર દૂર અર્બન હેલ્થ સેન્ટરમાં કાસુરવાનની બદલી કરી પગલાં ભર્યાનું દર્શાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આરોગ્ય વિભાગ મોરબી દ્વારા એક જ દિવસમાં 39 હજારથી વધુ લોકોને કોરોના રસી મુકવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ રેકોર્ડની આડમાં એક સ્વર્ગસ્થ વ્યક્તિને કોરોના વેક્સીન મૂકી સુરક્ષિત કરવામાં આવ્યા હોવાનો મેસેજ મોબાઈલમાં આવતા જાગૃત નાગરિક ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ આરોગ્ય ભોપાળું છતું કરતા આરોગ્ય વિભાગે નો રાગ આલાપી બાદમાં જવાબદાર મેડિકલ ઓફિસર રિયાઝ ખોરજીયાનો ખુલાસો પૂછવા શોકોઝ નોટિસ ફટકારી હતી. બીજી તરફ વડાપ્રધાન મોદીના જન્મદિવસે જ આરોગ્ય વિભાગનો ગંભીર છબરડો બહાર આવતા ગાંધીનગર આરોગ્ય વિભાગ પણ ચોકી ઉઠ્યો હતો અને જવાબદાર સામે પગલાં ભરવા તાકીદ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે ગંભીર ગણાતા આ પ્રકરણમાં મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે પગલાં ભર્યાનું નાટક કરી સો ઓરડીના જવાબદાર મેડિકલ ઓફિસર રિયાઝ ખોરજીયાને વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરમાં બદલી કરી સંતોષ માન્યો છે, હકીકતમાં વિસીપરા અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીથી બેથી ત્રણ કિલોમીટર જ દૂર થાય છે ત્યારે આવા નાહકના નાટક કરી આરોગ્ય વિભાગે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..