આ વર્ષે દુકાળની ભીતિ હતી. પરંતુ ભાદરવામાં મેઘમહેર વરસી છે. ચોમાસાનો માહોલ જામ્યો છે. લોકો વરસાદી ઋતુનો આહ્લાદક વાતાવરણ માણી રહ્યા છે. ચોમાસામાં 'બારે મેઘ ખાંગા' કહેવત અવારનવાર સાંભળવા-વાંચવા મળતી હોય છે. ત્યારે આજે તે કહેવતનો અર્થ અને વરસાદના પ્રકારો વિશે જાણીએ. બારે મેઘ ખાંગા થવા એટલે ખુબ વરસાદ પડવો. સામાન્ય રીતે જ્યારે બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે. ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે 12 પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે. લોક સાહિત્ય મુજબ બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે: 1) ફરફર : જેનાથી માત્ર હાથ-પગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ. 2) છાંટા : ફરફરથી વધુ વરસાદ. 3) ફોરા : છાંટાથી વધુ મોટા ટીપાં. 4) કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ. 5) પછેડીવા : પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ. 6) નેવાધાર : છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ. 7) મોલ મેહ : મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ. 8) અનરાધાર : એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ. 9) મૂશળધાર : અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે. 10) ઢેફાભાંગ : વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ. 11) પાણ મેહ : ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ. 12) હેલી : ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..