તંત્રની ધોર બેદરકારીને કારણે અબોલ પશુઓ માટે ખુલ્લી કુંડી બની જોખમી, અવારનવાર કુંડીમાં ખાબકતા ગૌવંશ મોરબી : મોરબીના શાક માર્કેટ પાછળ કચરાથી ખદબદતી ખુલ્લી કુંડીમાં ગાય ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સામાજિક કાર્યકરોએ દોડી જઈને મહામહેનતે કુંડીમાંથી ગાયને બહાર કાઢી હતી. જો કે તંત્રની ધોર બેદરકારીને કારણે અબોલ પશુઓ માટે ખુલ્લી કુંડી જોખમી બની છે. અવારનવાર કુંડીમાં ગૌવંશ ખાબકતા હોવાથી તંત્ર આ મામલે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના શાક માર્કેટ અને પાછળના લોહાણાપરા વિસ્તારમાં વર્ષોથી ગટરની ગંદકીનો સળગતો પ્રશ્ન છે. શાક માર્કેટની સીધી શેરીમાં આગળ કચરાના મોટા ગંજ ખડકાયા છે. ત્યાં આવેલી ખુલ્લી ભૂગર્ભની કુંડી કચરાના ગંજથી એટલી હદે ઢકાઈ ગઈ છે કે ત્યાંથી કોઈ નીકળે તો તેને ખબર નથી હોતી અહીં કચરાના ગંજની નીચે મોતનો ખુલ્લો કૂવો છે. આથી અબોલ પશુઓ તેમાં વારંવાર ખાબકે છે અને લોકો પણ આ ખુલ્લી ગટરની કુંડીમાં ખાબકે તેવી દહેશત છે. જો કે આસપાસના અમુક બકાલીઓ કુંડીમાં સડેલા શાકભાજી ફેકતા તે ખાવા માટે જતા ગૌવંશ તેમાં પડી જાય છે. આજે પણ એક ગાય આ ખુલ્લી કુંડીમાં પડી ગઈ હતી. આ બાબતની જાણ થતાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેસભાઈ પંડ્યાએ ત્યાં દોડી જઈને ગાયને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે તંત્રના પાપે વારંવાર અબોલ પશુઓ પડી જતા હોય અને આજે પશુઓ પડી જવાનો એક અઠવાડિયામાં ચોથો બનાવ બનતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકા તંત્ર અહીં કચરો ઉપાડી કુંડી સાફ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..