ભગવાન રામ અને સીતાજીએ રાજા દશરથના આત્માની શાંતિ માટે ગયામાં પિંડદાન કર્યું હોવાની માન્યતા ભાદરવા વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થવાના દિવસો. આ વર્ષે ગત 20 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ ગયો છે, જે 6 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં છે. શ્રાદ્ધ પક્ષમાં પંડિતોને મનપસંદ ભોજન જમાડી, પિતૃઓને આવાહન આપી, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મહિમા છે. કહેવાય છે કે દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં 'ગયા' નામનું નગર છે કે જ્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે, ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું ખૂબ માહાત્મ્ય છે. અહીં ભગવાન વિષ્ણુ પિતૃ દેવતા સ્વરૂપમાં હાજર છે, એટલે તેને પિતૃ તીર્થ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, ભગવાન રામ અને સીતાજીએ પણ રાજા દશરથની આત્માની શાંતિ માટે ગયામાં જ પિંડદાન કર્યું હતું. આ ઉપરાંત, વધુ એક એક કથા ગયામાં શ્રાદ્ધના મહિમા સાથે જોડાયેલી છે.પૌરાણિક પ્રચલિત કથા પ્રમાણે ભસ્માસુરના વંશમાં ગયાસુર નામના રાક્ષસે કઠોર તપસ્યા કરી. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી એ વરદાન આપ્યું હતું કે, તેનું શરીર દેવતાઓની જેમ પવિત્ર થઇ જાય અને લોકો તેના દર્શન માત્રથી પાપ મુક્ત થઇ જાય. આ વરદાન મળ્યા પછી સ્વર્ગમાં અધર્મીઓની સંખ્યા વધવા લાગી. જેનાથી બચવા માટે દેવતાઓએ ગયાસુર પાસે યજ્ઞ માટે પવિત્ર સ્થળની માંગ કરી. ગયાસુરે પોતાનું શરીર દેવતાઓને યજ્ઞ કરવા માટે આપી દીધું. યજ્ઞ બાદ જ્યારે ગયાસુર સૂતો ત્યારે શરીર પાંચ કોસમાં ફેલાઇ ગયું. આ જગ્યા પર ગયા સ્થાન બન્યું. ગયાસુરે દેવતાઓ પાસે વરદાન માંગ્યું કે, આ સ્થાન લોકોને તારનાર બની રહે. જે પણ લોકો અહીં કોઇનું તર્પણ કરવાની ઇચ્છાથી પિંડદાન કરે, તેમને મુક્તિ મળે. આ જ કારણે આજે પણ લોકો પોતાના પિતૃઓના મોક્ષ માટે પિંડદાન કરવા ગયા પહોંચે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..