છ મહિનામાં માત્ર 12 ટકા વસુલાત થતા બાકીના રૂ.25.06 કરોડના કરવેરાની વસુલાત માટે પાલિકા તંત્રની મથામણ મોરબી : મોરબી નગરપાલિકાને કોરોના નડ્યો હોય તેમ ચાલુ વર્ષના છ મહિના વીતવા છતાં 12 ટકા જેવી જ કરવેરાની વસુલાત થઈ શકી છે. એટલે નગરપાલિકાએ છ મહિનામાં માત્ર રૂ.3.75 કરોડના કરવેરાની વસુલાત કરી છે. આથી હજુ 25 કરોડથી વધુની માતબર રકમના કરવેરાની વસુલાત બાકી છે અને છ મહિના જેવો જ સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર નોટિસ આપવાની કે છેલ્લી ઘડીએ મથામણ કરવાથી કરવેરાનો આ ટાર્ગેટ પુરી નહિ થાય. એના માટે પાલિકાએ અત્યારથી કડક વસુલાત કરવી પડશે તો કરવેરાનો ટાર્ગેટ પૂરો થશે. મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે માર્ચ એન્ડીગ સમયે જ કરવેરાની કડક વસુલાત માટે પ્રયાસો કરવામાં આવે છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં ઢીલું વલણ દાખવાતું હોય જે લોકો સામેથી કરવેરા ભરવા આવે એની પાસેથી વસુલાત થાય છે.જેથી વર્ષાતે કરવેરોનો ટાર્ગેટ પૂરો થતો નથી. આ વખતે પણ નગરપાલિકા હજુ કરવેરાની વસુલાતમાં ઉદાસીન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. કારણ કે ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં માત્ર 12 ટકા જેવી જ કરવેરાની વસુલાત થઈ શકી છે. જેમાં નગરપાલિકા દ્વારા ગત વર્ષની તુલનાએ આ વર્ષ ઓછી કરવેરાની વસુલાત થઈ છે. પાછલા વર્ષના રૂ.15.75 કરોડ અને ચાલુ વર્ષના રૂ.13.06 કરોડ મળીને કુલ રૂ.28.81 કરોડના બાકી કરવેરામાંથી ચાલુ વર્ષના છ મહિનામાં રૂ.3.75 કરોડના કરવેરાની વસુલાત થઈ છે. જેમાં પાછલા વર્ષના રૂ.1.68 કરોડ અને ચાલુ વર્ષના રૂ.2.07 કરોડ મળીને રૂ.3.75 કરોડની વસુલાત થઈ છે. જ્યારે નગરપાલિકા દ્વારા નવ માસ એટલે તા.30/9 સુધી કરવેરા ભરનારને 10 ટકા કર રાહત આપવામાં આવે છે. હવે છ મહિનામાં કુલ બાકી રૂ.25.06 કરોડના કરવેરાની વસુલાત કરવી પડશે.આથી નગરપાલિકાને માત્ર નોટિસ કે જાહેરાત કરવાને કરવેરાની વસુલાત માટે નક્કર કાર્યવાહી કરવી પડશે તો કરવેરાનો ટાર્ગેટ પૂરો થશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રૂ.16.37 કરોડ એટલે 68 ટકા જેવી કરવેરાની વસુલાત થઈ હતી. તેથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ કરવેરાની મહતમ આકારણી કરવી જરૂરી છે. એના માટે નગરપાલિકાએ અત્યારથી કડક વસુલાત શરૂ કરવી જોઈએ.બાકીના છ મહિનામાં હજુ 88 ટકા જેવી વસુલાત બાકી હોય હવે તંત્રને આળસ ખંખેરવાનો સમય પાકી ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..