તીથવા જડેશ્વર રોડ ઉપર ત્રણ ગાય, રોઝનો શિકાર કર્યાનું ગ્રામજનોનું કથન વનવિભાગને જાણ કરાઈ મોરબી : મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં બે એક માસ પૂર્વે દીપડાના આટાફેરા બાદ હવે જડેશ્વર - તીથવા રોડ ઉપર દીપડાની દહાડ સંભળાઈ છે અને છેલ્લા અઠવાડિયામાં અહીં ત્રણેક ગૌવંશના શિકાર ઉપરાંત એક નીલગાય રોઝનો શિકાર થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દિવસે તેમજ રાત્રીના સમયે દીપડાના આટાફેરાથી હાલમાં ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે અને આ મામલે વનવિભાગને જાણ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં રામપરા વીડી વિસ્તારમાં દીપડાઓનો વસવાટ હોય ઘણી વખત આ રાની પશુ આજુબાજુના વિસ્તારમાં ચડી આવતો હોય છે ત્યારે બેએક માસ પૂર્વે ટંકારા તાલુકામાં દીપડો આવી ચડ્યાની ઘટના સામે આવી હતી જેમાં છેલ્લા અઠવાડિયાથી દીપડાએ જડેશ્વર નજીક ડેરાતંબુ નાખ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સજનપર ધુનડા ગામે રહેતા અને જડેશ્વરથી તીથવા ગામ જવાના રસ્તે ફાર્મહાઉસ ધરાવતા હિતેષભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે, અમારી વાડી નજીક દીપડો જોવા મળે છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, આ દીપડાએ છેલ્લા ત્રણ ચાર દિવસમાં જ વાડી નજીક ત્રણેક ગૌવંશના શિકાર કરવાની સાથે-સાથે નીલગાયને ફાડી ખાધી છે. રાત્રીના સમયે આજુબાજુના ખેતરોમાં પણ દીપડો આંટાફેરા કરતો હોય ખેતમજુરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોને પણ અહીંથી પસાર થતા ડર લાગે છે. બીજી તરફ વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાએ જડેશ્વર વિસ્તારમાં દીપડો દેખાવા અંગેની હજુ સુધી ફરિયાદ મળી ન હોવાનું જણાવ્યું હતું અને જો ફરિયાદ મળે તો દીપડાના સગડ મેળવવા કાર્યવાહી કરાશે અને જો વનવિભાગની હદ બહાર દીપડાના સગડ મળે તો ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..