છ વર્ષ પૂર્વેના કેસમાં લેખિત, મૌખિક પુરાવા ધ્યાને લઇ વાંકાનેર કોર્ટનો મહત્વનો ચુકાદો વાંકાનેર : વાંકાનેરના વિડી જાંબુડિયા વન વિભાગની હદમાં માલ ઢોર ચરાવવા પ્રશ્ને બે આરોપીઓ દ્વારા વન કર્મી ઉપર કરેલા હુમલા કેસમાં નામદાર વાંકાનેર કોર્ટે લેખિત, મૌખિક પુરાવા ધ્યાને લઇ બન્ને સગાભાઈ એવા આરોપીઓને બે વર્ષની કેદ અને આકરો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2015માં વિડી જાંબુડિયા રેન્જ ફોરેસ્ટ વિભાગ હસ્તકની જમીનમાં આરોપી દિનેશ મોતીભાઈ ગમારા અને મલાભાઈ મોતીભાઈ ગમારા ઘેટાં બકરા અને ગાયો ચરાવતા હોય વન કર્મચારી જયરાજભાઈ નનકુભાઈ વાળાએ વન વિભાગની જમીનમાં કોને પૂછીને ઢોર ચરાવો છો તેવું પૂછતાં બન્ને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વનકર્મી ઉપર લાકડી લઈને તૂટી પડતા વન કર્મચારીને ગંભીર ઇજાઓ સાથે સાહેદોએ સારવારમાં ખસેડયા હતા. આ બનાવ અંગે ફરિયાદી જયરાજભાઈ નનકુભાઈ વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં બન્ને સગાભાઈ એવા પલાસ ગામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિનેશ મોતીભાઈ ગમારા અને મલાભાઈ મોતીભાઈ ગમારા વિરુદ્ધ આઈપીસી કલમ 332, 504, 114, જીપી એકટની કલમ 135 તેમજ વન અધિનિયમ 1927ની કલમ 26(ઘ) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ નામદાર વાંકાનેર અદાલતમાં ચાલી જતા અદાલતે 11 મૌખિક અને 8 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ ફરિયાદ પક્ષની ધારદાર દલીલો લક્ષ્યમાં લઇ આરોપી દિનેશ મોતીભાઈ ગમારા અને મલાભાઈ મોતીભાઈ ગમારાને બે વર્ષની સાદી કેદ અને 5 - 5 હજારનો દંડ ફટકાર્યો છે. ફરિયાદ પક્ષે વિદ્વાન વકીલ એ.એન.પેટલ રોકાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..