મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન સોસાયટીમાં બનેલી ઘટના એક જ અઠવાડિયામાં બીજી ઘટનાથી અરેરાટી મોરબી : કોરોના મહામારીમાં ઓનલાઇન ભણતરે વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલ ખોરવી નાખ્યા છે ત્યારે હવે સ્કૂલો ઓફલાઈન શરૂ થતા ભણતરનો ભાર સહન કરી નહીં શકતા વિદ્યાર્થીઓ હતાશામાં આંત્યતિક પગલું ભરી રહ્યા છે. આજે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન સોસાયટીમાં રહેતા તરુંણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તરુણ ધો.10 માં ભણતો હોય અને ભણવામાં ધ્યાન ન આપતા પરિવારજનોએ ભણવા બાબતે ઠપકો આપતા તેણે મોતને વ્હાલું કરી લીધાનું બહાર આવ્યું છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન પાર્ક શેરી નંબર-1 માં રહેતો સયાન રજાકભાઈ વડાવરિયા (ઉ.વ.16) નામના સગીરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ મથકના વી.પી. છાસિયાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, મૃતક સગીર ધો.10 માં અભ્યાસ કરતો હતો. પરંતુ આ કારકિર્દી માટે આ બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વની હોવા છતાં મૃતક સગીર ભણવામાં ધ્યાન આપવાને બદલે મિત્રો સાથે રખડતો હતો. આથી તેના પરિવારજનોએ ભણવામાં ધ્યાન આપવાનો ઠપકો આપ્યો હતો. આ બાબતે લાગી આવતા સગીરે અંતિમ પગલું ભરી લીધું હતું. નોંધનીય છે કે, મોરબીમાં એક જ અઠવાડિયામાં ભણતરના ભારથી હતાશ વિધાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે આ ગંભીર બાબતે વાલીગણ પણ વ્હાલસોયા બાળકોને ઠપકો આપવાને બદલે સમજાવટ થકી અભ્યાસ તરફ વાળે તે જરૂરી બન્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..