રાજકોટથી આવતા ખાનગી ફોલ્ડર દ્વારા કરાતો આખા આરટીઓનો વહીવટ રસ્તા તોડતા ઓવરલોડ અને નંબર વગરના ડમ્પરો મોરબી આરટીઓની દેન મોરબી આરટીઓના ત્રણ -ત્રણ વાહનો દ્વારા ચેકિંગના નામે સરેઆમ હપ્તા વસૂલી : સિક્યુરિટી ગાર્ડ મારફતે કરાતા ઉઘરાણા મોરબી : મોરબી જિલ્લામાં બેફામ પણે ખનીજચોરી થઇ રહી છે અને ખનીજચોરી કરીને રોડને તહસ નહસ કરી નાખતા આવા ઓવરલોડ, નંબર વગર દોડતા કાળમુખા વાહનો માટે આરટીઓનું ભ્રષ્ટતંત્ર જવાબદાર હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. યમદૂત બનીને દોડતા આવા એક-એક વાહન દીઠ ભ્રષ્ટ આરટીઓ તંત્રના અધિકારીઓ રૂપિયા 3500નો માસિક હપ્તો વસુલતા હોવાનું અને રાજકોટથી આવતા જુના અને જાણીતા ફોલ્ડર દ્વારા આ હપ્તાખોરીનું નેટવર્ક ચલાવી ખાનગી સિક્યોરિટી ગાર્ડ અને અન્ય ખાનગી માણસો હપ્તા ઉઘરાવી દરમહિને 30થી 40 લાખ રૂપિયાથી વધુનું ઉઘરાણું કરી રહ્યા છે. મોરબી આરટીઓ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અત્યંત સુમાહિતગાર વર્તૂળો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં રેતી, માટી, પથ્થર,અને કોલસા ઓવરલોડ વહન કરી હજારોની સંખ્યામાં દિવસ-રાત કાળમુખા વાહનો રસ્તા ઉપર દોડી નવનકોર રસ્તાનું રામનામ સત્ય હૈ કરી રહ્યા છે ત્યારે આ દુષણ પાછળ મોરબી આરટીઓ કચેરીના ઉચ્ચ અધિકારીથી લઇ નીચેના અધિકારીઓના આશીર્વાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. મોરબી આરટીઓ કચેરીના કેટલાક એજન્ટ ઉપરાંત રાજકોટથી વર્ષીથી આવતો કે ખાનગી માણસ ઉઘરાણા બ્રાન્ચનો વહીવટ કરે છે અને ઓવરલોડ વાહન ચલાવવા માટે એક-એક વાહનના 3000થી 3500નું ભાવબાંધણું નક્કી કરાયું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે મોરબી આરટીઓ દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન હાઇવે ઉપર ત્રણ વાહનો દ્વારા સતત ચેકીંગ કરવાના નાટક કરવામાં આવે છે અને આ ચેકીંગ નાટકના નામે જે-જે વાહનોના હપ્તા ન આવ્યા હોય તેવા વાહનોને કે તો મેમો અથવા એક વાહન દીઠ 15 હજાર જેટલો વહીવટ કરી આગામી માસથી રેગ્યુલર હપ્તાની જાળમાં લઇ લેવામાં આવે છે. ટોચના વર્તુળોના મતે મોરબી આરટીઓ દ્વારા હાલમાં અંદાજે 1000 જેટલા કાળમુખા ડમ્પર, આઇવા ટ્રકનો હપ્તો બાંધી લેવામાં આવ્યો છે અને ફોલ્ડર મારફતે આ તમામ હપ્તાવાળી ગાડીઓના લિસ્ટ ચેકીંગ ટીમને આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને હપ્તાની ઉઘરાણી આરટીઓમાં રાખવામાં આવેલા ખાનગી સિક્યોરિટી અને અન્ય ખાનગી માણસો દ્વારા કરવામાં આવે છે અને જયારે જયારે ઉઘરાણા બ્રાન્ચ હાઇવે ઉપર દેખાયાને હપ્તાવાળી ગાડી ભૂલે ચુકે ઉભી રખાઈ જાય તો જે તે ઉઘરાણા કરનારને ફોન કરીને બાઇજ્જત બરી કરવામાં આવે છે. મોરબી આરટીઓમાં લાંબા સમયથી ચાલી રહેલ આ હપ્તાખોરી નેટવર્કને કારણે ઓવરલોડ વાહનો પાક્કા અને નવા રોડની ઘોર ખોદી રહ્યા છે ત્યારે હવે મોરબીના નવ નિયુક્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા આ દિશામાં ધ્યાન આપી આરટીઓનું શુદ્ધિકરણ કરે તે જરૂરી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..