મોરબીના બજાર વિસ્તારમાં પુરુષોના શૌચાલયનો ઉપયોગ કરવા મહિલાઓ મજબુર હોવાની સામાજિક કાર્યકરોની ચોંકાવનારી રાવ મોરબી : સમગ્ર વિશ્વમાં સિરામીક નગરી તરીકે ઓળખાતા ભારતના પેરિસ એવા મોરબીની માઠી દશા છે, વાહનોને ચાલવા રસ્તા નથી, નળમાં પૂરતું પાણી નથી અને ભુગર્ભ ગટરો છલકાય છે.. મોરબીમાં કોરોના મહામારીમાં પાંચ દિવસમાં મહાકાય ઓક્સિજન પ્લાન્ટ ઉભો થાય છે પણ મોરબીની આખી બજારમાં ક્યાંય પણ મહિલાઓ માટે શૌચાલય નથી !!! દેશ બદલાઈ રહ્યો છે શૌચ બદલો જેવા કેન્દ્ર રાજ્ય સરકારના સંદેશ વચ્ચે મોરબીના જાગૃત સમાજ સેવકો દ્વારા મોરબીના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના મહિલા પ્રમુખ સમક્ષ તાકીદે શૌચાલય બનાવવા માંગ કરવામાં આવી છે. મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ વી.દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ જી.બામ્ભણીયા, જનક રાજા અને અશોકભાઈ ખરચરીયાએ મોરબીની મુખ્યબજાર એવા નહેરૂગેટ ચોક નજીક આવેલ જીઇબી ઓફોર્સ પાસે મહિલાઓ માટે અલાયદું શૌચાલય બનાવવા માંગ ઉઠાવી છે. પ્રથમ દ્રષ્ટિએ સૌ સામાન્ય લાગતી આ રજુઆત ખુબ જ ગંભીર છે. આટલા મોટા જિલ્લાકક્ષાના મોરબી શહેરમાં મહિલાઓ માટે મુખ્ય વિસ્તારમાં એકપણ શૌચાલય ન હોવાથી મહિલાઓને કેટલીક વખત મજબૂરીવશ પુરુષોના શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે. નોંધનીય છે કે આજે મહિલાઓ પુરુષ સમોવડી બનતા મોરબીમાં અનેક વ્યાપારી સંસ્થાનો ચલાવવાની સાથે વ્યાપારી સંકુલમાં નોકરી કરેછે આ ઉપરાંત મોરબીમાં આજુબાજુના ગામોમાંથી અનેક મહિલાઓ દરરોજ ખરીદી માટે આવે ત્યારે મહિલા શૌચાલયના અભાવે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં આજે મોરબીના પ્રથમ નાગરિક એવા મહિલા સભ્ય પાલિકામાં બિરાજમાન છે ત્યારે સામાજિક કાર્યકરોએ મહિલાઓની વેદના મહિલા જ સમજી તાત્કાલિક નહેરૂગેઈટ વિસ્તારમાં મહિલાઓ માટે શૌચાલય નિર્માણ કરાવે તેવી માંગણી ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..