સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત મોરબી : મોરબી શહેરમાં આલાપ રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં પાણી, રોડ-રસ્તા, વીજળી, રખડતા ઢોર, સ્વચ્છતા તેમજ અન્ય સમસ્યાઓ બાબતે જાગૃત નાગરિક કાંજીયા નરસીભાઇ એ સ્થાનિકો વતી નગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ પટેલનગર, ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક એક વંડામાં આલાપ રોડ પર આવેલ છે. આ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાને લગતા અનેક પ્રશ્નો છે. છેલ્લા બે વર્ષમાં અનેક વખત આ બાબતે તંત્રને લેખિત કે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે આલાપ મેઇન રોડ મોરબી નગરપાલિકામાં પ્રથમ બેઠક વખતે મંજુર થયેલ છે. થોડા દિવસમાં નવી પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. સોસાયટીઓમાં પાણીની પાઈપલાઈન નાખેલ છે, તે નાની છે. વસ્તી વધારો થતાં છેવાડાના ફ્લેટ સુધી પાણી મળતું નથી. પાણીની અછતને કારણે નજીકમાં આવેલ નળીયાની ફેકટરીમાં કૂવામાં 5 મોટર મુકેલ છે. તેમજ નવી પાઇપલાઇન નાખેલ છે, તેમાં મીટર મૂકવામાં આવે તેવી અરજી ફ્લેટવાળાઓએ કરેલ છે. તેમજ જ્યારે સોસાયટીઓ બની ત્યારે રોડ-રસ્તા બનાવવામાં આવ્યા હતા. આજે રોડમાં નાના-મોટા ખાડા પડી ગયા છે. ચાલી શકાય તેમ નથી. નવો રોડ મંજુર થયેલ છે પણ આજ સુધી કામ ચાલુ થયેલ નથી. વધુમાં, સોસાયટીઓમાં વીજળી દિવસના દરમિયાન પણ ચાલુ રહે છે. તેમજ 10 પોલમાં લાઈટો બંધ છે, 15 પોલમાં માત્ર લોખંડની પટ્ટી છે, તેમાં લાઈટ નથી. તથા નવા 15 પોલમાં પણ નવી લાઈટ મૂકવાની જરૂર છે. તેમજ આલાપ રોગથી વજેપર સુધીમાં મેઈન રોડ પર અંધારપટ છવાઇ ગયો છે. બે વર્ષ પહેલાં પાંચ પોલમાં લાઈટ ફીટ કરેલ હતી. પરંતુ ત્યારે બે વર્ષ કામ કરીને લાઈટ બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત, સોસાયટીઓમાં રખડતા આખલાઓનો ત્રાસ છે. તેના લીધે અકસ્માત થવાનો ભય રહે છે. સોસાયટીઓમાં છેલ્લા બે વર્ષથી સ્થાનિકોએ સ્વખર્ચે 50 વૃક્ષો વાવેલ છે. આ વૃક્ષોને રખડતા આખલા ઊગવા દેતા નથી. તો તેને રક્ષણ આપી શકાય અને અકસ્માત ટાળવા ઢોરોને પકડવાની કામગીરી કરવા જણાવાયું છે. તેમજ આ સોસાયટીઓમાં અનેક પ્લોટ ખાલી છે. તેમાં વરસાદી પાણી ભરાતા માખી-મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળો ફેલાવાની શક્યતા જણાય છે. તો દવાનો છંટકાવ કરવા અને પ્લોટમાં ગાંડા બાવળ ઊગવાથી જંગલ જેવું બની ગયું છે એટલે જેવી ઝેરી જાનવરની સમસ્યા પણ છે. તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તાકીદે લાવવા અપીલ કરવામાં આવી છે. સાથેસાથે મોરબી નગરપાલિકા તરફથી કચરાની ગાડી નિયમિત આવે છે, તે બદલ સ્થાનિકોએ આભાર તંત્રનો આભાર માન્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..