અત્યારે સમગ્ર દેશમાં જ્યારે ગણેશ ઉત્સવ ચાલે છે, અને દરેક જગ્યાએ ગણપતિદાદાને ધરો તો ચડાવવામાં આવતો હોય છે, સંજવની સમાન ધરો,ધ્રોખડ આયુર્વેદ દ્રષ્ટિએ આરોગ્ય માટે ખુબજ ઉપયોગી છે. આયુર્વેદિક જીવનશૈલી વિષે લેખક રાજ પરમાર લિખિત આ માહિતીપ્રદ લેખ મોરબી અપડેટના વાચકો માટે અહીં રજૂ કરાયો છે. 'નાસ્તિ દ્રવ્ય અનૌષધમ્' – એક પણ દ્રવ્ય એવું નથી. કે જે ઔષધ ન હોય !’ એમ આયુર્વેદમાં કહેવાયું હોવાથી આ જગતનાં તમામેતમામ દ્રવ્યોનો આયુર્વેદીય દૃષ્ટિએ ઉપયોગ થઈ શકે. તેમાં ગાયને ખાવાનું ખડ પણ ગણાવી શકાય. ગાયને ખડમાં-ઘાસમાં સૌથી વધુ શું ભાવે ? તે જાણો છો ? ધરો. ધરોનું સંસ્કૃત નામ છે ‘દૂર્વા’. ધોળી અને લીલી ધરો સર્વત્ર ઊગી નીકળે છે. ચોમાસામાં તો કાળી-ચીકણી જમીનમાં જ્યાં જુઓ ત્યાં ધરો જોવા મળે. પાતળા પોપટી દોરા જેવી ધરો મોટે ભાગે પુષ્કળ અને સર્વત્ર થાય છે. તેમાં ક્યાંક ક્યાંક ધોળી ધરો (શ્વેતદૂર્વા) પણ હોય છે. જે ગુણમાં શ્રેષ્ઠ છે. કૂવામાંથી પાણી ખેતરમાં પહોંચાડતા ધોરિયા ઉપર તો ધરો અવશ્ય ઊગે જ. પાણીમાં ધરો પુષ્કળ થાય અને પાણી ન મળે ત્યારે પણ એ જીવે. ચોમાસામાં ઢોરને ખવરાવવા માટે ધરોનાં ગાડાં ભરી ભરીને કે માથે ભારા ઉપાડી ઉપાડીને ખેડૂતો, માલધારીઓ કે મજૂરો લાગતાં હોય છે તે સુગંધી દૃશ્ય સોહામણું હોય છે. આપણા ઘણા ધાર્મિક તહેવારોમાં ધરો-દૂર્વા વડે પૂજન કરવામાં આવે છે. ગણપતિના પૂજન માટે દૂર્વા અનિવાર્ય ગણાય છે. સ્ત્રીઓના અનેક તહેવારોમાં દૂર્વાપૂજનને સ્થાન હોય છે. ગાયને જેમ ધરો વધુ ભાવે છે તેમ ઘોડાને પણ ધરો વધુ ભાવે છે. ધોળી ધરોને આયુર્વેદે સુમધુર’ તે કારણે જ કહી હશે. જવારાની જેમ ધરોનો રસ કાઢીને પીવાનો અનુભવ કરજો. સુમધુર લાગશે. હિન્દીમાં દૂર્વા ઉપરથી ‘દૂબ' શબ્દ બન્યો છે. તો લેટિનમાં ધરોને ‘સાઇનોડમ ડેક્ટીલન' કહેવામાં આવે છે. ધરો રસમાં મધુર, તૂરી અને ગુણમાં શીતળ હોવાથી પિત્તનું સવિશેષ શમન કરે છે. ધોળી ધરો થોડી કડવી પણ હોવાથી રુચિકર કહી છે. ધરોનો રસ પીવાથી ગાયનું દૂધ વધે છે તેમ સ્ત્રીઓ તેનો રસ પીએ તો તેમનું ધાવણ પણ વધે છે.ધરોના બંને પ્રકારમાંથી લીલી ધરોમાં એક ખાસ ગુણ સંજીવન કહ્યો છે. કારણ કે તે જીવન્તીની જેમ સદા જીવતી રહ છે અને તેનું સેવન કરનારને પણ સંજીવન કે જીવનીય ગુણ આપે છે. ધરોના ખાસ ખાસ ઉપયોગ આ પ્રમાણે છે : ૧. નસકોરી ફૂટવી : ધરોના રસના નાકમાં વારંવાર ટીપાં નાખવાં. ૨. હેડકી : ધરોનો રસ મધમાં મેળવીને પિવરાવવો તથા નાકમાં તેનાં ટીપાં નાખવાં. ૩. ખરજવું : ધોળી ધરોના રસમાં ચોખા વાટીને તેનો પણ લેપ કરવો. ૪. નષ્ટાર્તવઃ જે સ્ત્રીનું અકાળે આર્તવ જતું રહ્યું હોય તેણે ધોળી ધરોના રસમાં દાડમના મોટા દાણા પીસી, ઠંડી કાંજી બનાવીને એક એક કપ સાત દિવસ પીવાનો પ્રયોગ કરવો. ૫ શિરઃશૂળઃ ચોખા સાથે ધરો પીસીને ઠંડી ઋતુમાં ગરમ કરીને અને ગરમ ઋતુમાં ઠંડો લેપ કરવો. ૬. ઊલટી : ચોખાના ધોવરામણમાં ધરો વાટીને રસ કાઢવો. તેમાં મધ મેળવીને અર્ધા કલાકે પાયા કરવું. ૭. તાવ : કોઈપણ જાતના જ્વરમાં ધરોનાં મૂળ સૂતરમાં બાંધી માથે બાંધવાં તેના પ્રભાવથી જ તાવ ઊતરશે. સૌજન્ય : રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) મો.97226 66442 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..