હળવદ પંથકમાં ખાણખનીજ વિભાગની ભાગીદારીથી ચાલતા રેતીચોરી રેકેટમાં હપ્તા નિમિત્ત કરવા દોઢેક કરોડના વાહનો કબ્જે કરાયા : રેતમાફિયાઓ મૂંઝાયા હળવદ : ભ્રષ્ટ ખાણખનીજ વિભાગની લોકભાગીદારી યોજનામાં હળવદ પંથકમાં ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત વિસ્તારોમાં દર મહિને બેરોક્ટોકપણે કરોડો રૂપિયાની રેતીની ખનીજચોરી કરવામાં આવી રહી છે.ત્યારે આ ભાગીદારીના ધંધામાં ભંગાણ પડ્યું હોય તેમ છેલ્લા બે દિવસમાં હપ્તા ચાલુ હોય તેવા ડમ્પરોને અલગ તારવી બે મહિનાથી હપ્તા નહીં પહોંચાડનાર અને મફતમાં રેતીચોરીનું દુઃસાહસ કરનાર 11 ડમ્પર,ટ્રક ખાણખનીજ વિભાગે હાઇવે ઉપરથી પકડી પાડી હળવદ પોલીસ મથકે જમા કરાવી દેતા ખનીજ-રેતમાફિયાઓ મૂંઝવણમાં મુકાયા છે. હળવદ પંથકમાં ટીકર રણ અને ખાસ કરીને હળવદની બ્રાહ્મણી નદીમાં રેતી રૂપી હિરા માણેકનો અખૂટ ખજાનો ધરબાયેલો છે પરંતુ આ વિસ્તાર ઘુડખર અભ્યારણ્યને કારણે ખનીજ ઉત્ખનન માટે પ્રતિબંધિત હોવાથી ખાણખનીજ વિભાગ કાયદેસર રીતે અહીંથી રેતીની લીઝ આપી શકતું નથી. પરિણામ સ્વરૂપ ખાણખનીજ વિભાગે અહીં ગેરકાયદેસર રીતે લોકભાગીદારી કરી ખનીજ માફિયાઓને ઉતેજન આપવા નિયત હપ્તા અને કેટલાક કિસ્સામાં ભાગીદારી કરી લઈ રેતી ચોરવા પીળો પરવાનો આપી દેતા અહીં દિવસ રાત કાળમુખા ડમ્પરો અને આઇવા જેવા રાક્ષસી ટ્રક ધરતીને ફાડી રેતી ચોરી કરી રહ્યા છે. બીજી તરફ રેતમાફિયાઓમાં મોટાભાગના લોકો ગેરકાનૂની ધંધામાં પ્રામાણિકતા રાખી નિયમિત હપ્તા અથવા તો ભાગ ખાણખનીજ અને પોલીસ ઉપરાંત આરટીઓને પણ પહોંચે રહ્યા છે પરંતુ છેલ્લા બે મહિનાથી કેટલાક રેતીચોરોએ હપ્તા આપવાનું બંધ કરવાની સાથે કેટલાકે તો મફતમાં ગાડીઓ હાંકવાનું ચાલુ રાખતા એસી ઓફિસમાં બેઠા રહેતા વહીવટી કર્મચારીઓ હરકતમાં આવ્યા છે અને છેલ્લા બે દિવસથી હપ્તા ન ચુકવતા હોય તેવા આઇવા અને ડમ્પરને હાઇવે ઉપરથી પકડી - પકડી હળવદ પોલીસ મથકે જમા કરાવી રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 11 વાહનો પકડાયા છે. જેની કિંમત દોઢેક કરોડ થવા જાય છે. જો કે નવાઈની વાત એ છે કે એક પણ વાહન ચાલક પકડાયો નથી કે પછી પકડવામાં નથી આવ્યો તે પણ મોટો સવાલ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે બે દિવસથી ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં આજે પણ બ્રાહ્મણી નદીમાંથી હોડકા અને હિટાચી મારફતે ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ખાણખનિજ વિભાગે કરેલી આ કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ખાડા થયા છે અને હવે ખાણખનીજ વિભાગની ભાગીદારીથી ચાલતા રેતીચોરી રેકેટને બંધ કરાવવા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ કરી જૂનાગઢની જેમ ખનીજચોરી બંધ કરાવવા તૈયારીઓ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..