કમરની ગાદી ખસાવવી હોય તો શનાળાથી દલવાડી સર્કલ સુધી કોઈપણ વાહનમાં આવવું ફરજીયાત દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ અને આખા ગામમાં ફરો અને હોન્ડા-ફોર વ્હીલના જમ્પર તોડો, પાલિકાની સુંદર યોજના મોરબી : માર્ગ અને મકાન વિભાગ રાજકોટના આશીર્વાદથી અને મોરબી - રાજકોટ હાઇવેનું કામ કરતા કચ્છના કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચાર યુક્ત કામથી મોરબીના શહેરીજનો અને મોરબીમાં કામ સબબ આવતા લોકો માટે કમરના હાડકા તોડવાનો તેમજ કમરની ગાદી ખેસવવા ઉપરાંત હાડકા ખોખરા કરવાનો વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કોઈપણ વાહનચાલક કે પગપાળા જતા લોકો ભાગ લઇ શકે છે... સમાચાર વાંચીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આ સત્ય હકીકત છે, મોરબી રાજકોટ હાઈવેનું મંથર ગતિએ ચાલતું લોટ, પાણી અને લાકડા જેવું કામ પૂર્ણ થતું નથી.તો બીજી તરફ હલકી ગુણવતા યુક્ત કામને કારણે મોરબીથી રાજકોટ વચ્ચે 2થી 3 હજાર ગાબડાં પડયા છે જે જીવલેણ અકસ્માતને કંકોત્રી પાઠવી રહ્યા છે. અધૂરામાં પૂરું મોરબી પાલિકાએ પણ આ કેમ્પમાં સાથ પુરાવ્યો હોય તેમ શહેરભરના તમામ માર્ગો ઉપર ખાડા નહીં પણ ખંજન..ડિમ્પલ પડી ગયા છે અને લોકો પડવા, આખડવા અને હાડકા તોડાવા મજબુર બન્યા છે. મોરબી - રાજકોટ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય રોડનું કામ છેલ્લા ચારેક વર્ષથી પંચવર્ષીય યોજનાની જેમ ચાલી રહ્યું છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, કચ્છના વગદાર કોન્ટ્રાક્ટરને સાચવી લેવા માટે સરકારે મોરબી જિલ્લાના મહત્વના રોડના કામનું સુપર વિઝન મોરબીને બાયપાસ કરી રાજકોટ માર્ગ અને માંકન વિભાગને સોંપી દીધું પરિણામે મોરબીના અધિકારીઓ ઈચ્છે તો પણ નબળી ગુણવતા વાળા ફોરલેન રોડના કામ અંગે કશું કરી શકતા નથી. બીજી તરફ આ રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી ત્યાં જ ટંકારાથી મોરબી સુધીમાં ગાબડાઓની વણઝાર સર્જાઈ છે અને ગાબડાનો રોગચાળો હવે છેક છત્તર સુધી પહોંચી ગયો છે.ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન આ ગાબડાં પુરવા કોન્ટ્રાકટર દ્વારા ચાલુ વરસાદે થીગડાં પણ મારવામાં આવી રહ્યા છે છતાં ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે અને મોરબીના લોકો માટે જોખમ ઉભું થઇ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે નબળી ગુણવતા વાળા ફોરલેન રોડ પ્રોજેક્ટ અંગે મોરબીના એક પણ નેતા હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી ત્યારે સરકારના આંખ મિચામણાથી માર્ગ અને મકાન વિભાગ રાજકોટના સહયોગથી કચ્છી કોન્ટ્રાકટર દ્વારા લોકોના હાડકા તોડવા અને અકાળે સ્વર્ગે સિધાવવા જ આવા રોડનું નિર્માણ કર્યું હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારના ટેન્ડરની જોગવાઈ મુજબ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન વાહનચાલકોની સલામતી માટે રોડની બન્ને તરફ પાકા ડાયવર્ઝન કાઢવા જોગવાઈ હોવા છતાં મિતાણા નજીક એક જ તરફથી વાહનોને સાંકડા રસ્તા ઉપર ચાલવા મજબુર કરાયા છે તો મોરબી ભક્તિનગર સર્કલે પણ આવી જ સ્થિતિ વચ્ચે પાકું ડાયવર્ઝન ન કઢાતા હાલમાં હજારો ગાબડાં ઉપર વાહન ચલાવી વાહન ચાલકો કમરની ગાદી ખેડવવાની સાથે કાર - બાઇકના જમ્પર તોડાવી રહ્યા છે. મોરબી રાજકોટ હાઈવેની જેમ જ શહેરના વિવિધ માર્ગોની પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આવી જ દશા છે જેમાં દલવાડી સર્કલથી અવની ચોકડી અને રવાપર ચોકડી જાવ તો મોટર સાયકલ લપટવાની ગેરંટી સાથે માથું ફોડવાની સ્કીમ તરતી મુકાઈ છે તો રવાપર રોડથી શહેર તરફ આવો તો ગમે ત્યારે ભફ થી જવાય તેવા ખાડા પણ પાલિકાની કૃપાથી તૈયાર છે.અને જો ચાલુ વરસાદે બેઠા પુલ ઉપર થઈને આવો તો લપસણીની મજા પણ લઇ શકો છો. આ સંજોગોમાં મોરબીને પેરિસ અને સીરામીક નગરીની ઉપમા આપી લોકોને દિવાસ્વપ્ન દેખાડતા નગરસેવકોથી લઈ ધારાસભ્ય, સાંસદસભ્ય અને મોરબીના ઉચ્ચ અધિકારીઓ ઉબડ-ખાબડ રોડ રસ્તાની સમસ્યાથી લોકોને મુક્ત કરાવે તો સાચા વિકાસનો અહેસાસ લોકોને થઇ શકે તેમ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..