રાસરસેશ્વરી શ્રીરાધાના પ્રાગટ્ય દિવસે માણીએ રાધા-કૃષ્ણમય પંક્તિઓ... શ્રાવણ વદ આઠમ એટલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તથા ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. રાસરસેશ્વરી શ્રીરાધાનો પ્રાગટ્ય દિવસ. વૃષભાનુ અને કીર્તિદાના પુત્રી રાધા. જન્મસ્થળી બરસાનામાં આજે પણ 'જય શ્રીકૃષ્ણ' નહીં, 'રાધે રાધે'નો નાદ ગુંજે છે. કૃષ્ણની વ્રજલીલામાં રાધિકા છે. વ્રજની કુંજગલીઓ, કંદરાઓ, જમુનાતટ, બંસીવટ, વનો-ઉપવનો, સરોવર-કુંડો રાધિકા વિના સૂના છે. કારણ કે રાધા ન હોત તો માખણચોરી, ગોરધનલીલા, રાસલીલા, હોરીખેલ સહિતની લીલાઓ ન હોત. ગોલોકની તો કલ્પના જ રાધારાણી વિના શક્ય નથી. સ્વયં શ્યામ રાધા વિના આધા છે. અને ગુજરાતી તથા વ્રજ સાહિત્ય પણ. ગુજરાતી સાહિત્યમાં હજારો કવિતાઓ રાધા-કૃષ્ણના પ્રેમ, મિલન, વિરહ, ગોપીઓ, વૃંદાવન, રાસ, પનઘટ પર લખાયેલી છે. લેખો અને કથાઓ તો અલગ. આપણા સાહિત્યમાં તો શ્યામ સ્વયં કશું લખે તેવી કલ્પના તુષાર શુક્લ કરી, સવાલો પૂછી આપણને જવાબ શોધવા કલ્પનામાં રાચતા કરી દે છે. માધવ લખે તો સખી, કેવું લખે? એમાં શબ્દો હશે કે સૂર? ખોલું? ન ખોલું? હું શું રે કરું? એમાં ટીપાં હશે કે હશે પૂર? પછી માધવનું લખાણ કોઈ વાંચે, અને માત્ર તેમાં રાધાનામ હોય તો દ્વારકાધીશને રાધિકા વિષે ચોક્કસ કોઈ એવું પૂછી લે કે, દ્વારકામાં કોક તને પૂછશે કે શ્યામ, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? તો શું રે જવાબ દઈશ માધા? - ઇસુભાઈ ગઢવી આ બાજુ રાધિકા પણ યમુનાતીરે બેસી કૃષ્ણની વાટ જોતી, તેને બોલાવતી હશે. જેને રમેશ પટેલ 'ક્ષ'એ પોતાના શબ્દોમાં સરસ રીતે રજૂ કરી છે કે, કદમ્બડાળે વિહંગ ગુંજે, તોયે આ મનમાં ઉદાસી, એકલતા ડંખે તમારા વિના હવે, મુજને ઓ વ્રજવાસી, યમુનાના ઊર્મિલ ઈશારે, શ્યામ તમે આવો. કદાચ શ્યામને રાધાનો સાદ સંભળાયો હશે એટલે તો ગિરિધારી પ્રશ્ન પૂછનારને આવો કઈંક જવાબ આપે કે, મોરપિચ્છનો મધમીઠો મલકાટ એટલે રાધા, જમુનાજીનો પુનિત-પાવન ઘાટ એટલે રાધા, કદંબડાળે ઝુલેલો સહવાસ એટલે રાધા, વિરહાનલમાં પછી સળગતો શ્વાસ એટલે રાધા. - નીતિન વડગામા રાધા વિના કૃષ્ણની અધૂરપ વર્તાય છે. દ્વારિકાના રણછોડ પાસે સમુદ્રના ખારા જળ છે, યમુનાના પવિત્ર નીર નથી, કારણ કે ત્યાં રાધા નથી. ચતુર્ભુજધારી દ્વારકેશ પાસે ચક્ર, ગદા, પદ્મ અને શંખ છે. તથા ચતુર્ભુજધારી ગિરિધર રે એક હાથની ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો છે અને બીજા બે હસ્તથી વેણુ વગાડે છે. કારણ કે ત્યારે તેની સાથે રાધા છે. એટલે કવિ મુકેશ જોશી કહે છે કે, કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. સુરેશ દલાલ તો વળી પોતાની કવિતામાં શ્યામને વેણુનાદમાં રાધાનામ લેવાની જ ના પાડે ને તેનું કારણ આપતા કહે કે, રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ! વાંસળી નહીં તો રિંગટોન, પ્રેમની વાત ક્યાં છુપી રહે જ છે! એટલે તો અંકિત ત્રિવેદી લખે છે કે, કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે, જન્મોજનમની ઘેલી રાધાની પ્રીત કાનજીના રૂંવાડે જાગે. રાધા-કૃષ્ણની વાત હોય ત્યારે પ્રિયકાન્ત મણિયારની આ પંક્તિઓ તો કઈ રીતે ભુલાય! આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે, આ સરવર જલ તે કાનજી, ને પોયણી તે રાધા રે, આ બાગ ખીલ્યો તે કાનજી, ને લ્હેરી જતી તે રાધા રે, આ પરવત શિખર કાનજી, ને કેડી ચડે તે રાધા રે. અંતે બાલમુકુંદ દવેની એ કવિતા, જે પાંચમાં ધોરણમાં ગુજરાતીમાં ભણવામાં આવતી, જેનાથી રાધા-કૃષ્ણના રાસનો પરિચય થયો, તેને તો યાદ કરવી જ પડે! અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમુનાનો મલક, એથી સુંદર રાધા ગોરી. મુખડુ મલકે મલ્લક મલ્લક. ~ માર્ગી મહેતા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..