મદાસુરનો વધ કરવા ગણેશજીએ ધારણ કર્યો હતો એકદંત અવતાર મહાદેવ શિવ અને દેવી પાર્વતીના પુત્ર શ્રીગણેશે સૌપ્રથમ વક્રતુંડ અવતાર બાદ એકદંત અવતાર ધારણ કર્યો હોવાનું મનાય છે. ગણપતિજીએ મદાસુરનો વધ કરવા માટે આ અવતાર ધારણ કર્યો હોવાની કથા પુરાણોમાં મળી આવે છે. આજે ગણેશ મહોત્સવના દિવસે માણીએ ગણપતિના એકદંત અવતારની રોચક કથા. એક વખત મહર્ષિ ચ્યવને પોતાના તપોબળથી મદ નામના રાક્ષસને ઉત્પન્ન કર્યો. મદે તેમને પ્રણામ કર્યા બાદ પાતાળમાં શુક્રાચાર્ય પાસે પહોંચ્યા. ત્યાં તેમણે દૈત્ય ગુરૂના ચરણોમાં પ્રણામ કરી અને હાથ જોડી કહ્યુ, 'હું તમારા ભાઈનો પુત્ર છું. તેથી, તમારો પણ પુત્ર છું. હું તમારો શિષ્ય બનવા માગુ છું. હું સમગ્ર બ્રહ્માંડનું મહાન રાજ્ય ચાહુ છું. તમે મારી ઈચ્છા પૂરી કરો.' શુક્રાચાર્યે સંતુષ્ટ થઈને તેને પોતાનો શિષ્ય બનાવી લીધો. અને તેને એકાક્ષરી મંત્ર આપી દીધો. મદે ભકિતભાવપૂર્વક તપ કર્યુ અને જેનાથી સંતુષ્ટ સિંહવાહિની માતા ભગવતી પ્રકટ થયા. માતાએ તેની ઈચ્છા અનુસાર વરદાન આપ્યું કે 'તમે નિરોગ રહો અને તમને બ્રહ્માંડનું અચલ રાજ્ય પ્રાપ્ત થાય. તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે.' માતા પાસેથી વરદાન મળ્યા બાદ મદાસુરે પહેલા ધરતી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી દીધુ. પછી તેને સ્વર્ગમાં યુદ્ધ કરી દેવોને હરાવી મદાસુર સ્વર્ગનો શાસક બની ગયો. આથી, દેવગણ સંતકુમાર પાસે પહોંચ્યા. અને પોતાની વ્યથા જણાવી, મદાસુર વિનાશ અને ધર્મ સ્થાપનાનો ઉપાય પૂછ્યો. સંતકુમારે તેમને એકદંતની ઉપાસના કરવાનું કહ્યુ. તેમને તપ કરતા સો વર્ષ વીતી ગયા ત્યારે એકદંત પ્રગટ થયા. દેવતાઓએ નિવેદન કર્યુ, 'હે પ્રભુ, મદાસુરના શાસનમાં દેવગણ સ્થાન ભ્રષ્ટ અને મુનિગણ કર્મભ્રષ્ટ થઈ ગયા છે. તમે અમારું વિધ્ન નષ્ટ કરી અમને ભક્તિ આપો.' એકદંતએ 'તથાસ્તુ ' કહ્યુ. બીજી તરફ દેવર્ષિ નારદે મદાસુરની પાસે જઈને સંપૂર્ણ વાત જણાવી. આથી, તે ક્રોધિત થઈ ગયો. અને પોતાની વિશાળ સેના લઈને એકદંત સાથે યુધ્ધ કરવા નીકળી પડ્યો. રસ્તામાં એકદંત પ્રગટ થઈ ગયા. તેમનું રૂપ જોઈને તે થોડો ભયભીત થયો, બાદમાં તેણે એકદંત સાથે યુધ્ધ કર્યુ. અને છેવટે હારીને એકદંતના શરણે આવી ગયો અને ક્ષમા માગવા લાગ્યો. એકદંતે કહ્યુ, 'જ્યાં દેવી શક્તિથી મારી પૂજા-અર્ચના થાય છે ત્યાં તું ન જતો. તને આસુર ભાવના કર્મોનું ફળ ભોગવવું પડશે.' એકદંત પાસેથી વર મેળવી તે મદાસુર પાતાળમાં ચાલ્યો ગયો. અને પ્રસન્ન દેવો દ્વારા એકદંતની સ્તુતિ કરવામાં આવી. એકદંતનું સ્વરૂપ એકદંત ગણેશજીના એક દાંત અને ચાર હાથ છે. તેમનું મોઢું હાથી જેવું છે. તે લંબોધર છે. તેમની સાથે સિધ્ધિ અને બુધ્ધિ છે. તે મૂષક પર બિરાજેલા છે. તેમની નાભિમાં શેષનાગ બિરાજેલા છે. તે પોતાના હાથોમાં પાશ, પરશુ, સુંદર કમળ અને અભય મુદ્રા ધારણ કરે છે. તેમનું મોઢુ પ્રસન્નતાથી ખિલેલું છે. તે ભક્તો માટે હંમેશા વરદાયક અને શત્રુઓના વિનાશક છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..