મોરબી સિવિલ હોસ્પિટલમાં જ અઠવાડિયે મલેરીયાના નવા 15 કેસ : અઠવાડિયામાં ટાઈફોઈડના ચારેક કેસ : દર્દીઓથી ઉભરાતા દવાખાના મોરબી : મોરબીમાં કોરોના માંડ હળવો પડ્યો છે ત્યાં વાયરલ તાવ, શરદી, ઉધરસના થોકબંધ કેસોની સાથે મલેરિયા અને ટાઈફોઈડના કેસોએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ બે એટલે કે અઠવાડિયે 15 જેટલા મલેરિયાના નવા કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ 1000 જેટલા લેબોરેટરી ટેસ્ટ થઇ રહ્યા છે. જો કે, આ બધા વચ્ચે જિલ્લા પંચાયતના મલેરિયા વિભાગે લોકોને સુફિયાણી સલાહ આપી ડેન્ગ્યુ, મલેરીયાથી સાવધ રહેવા જૂની પુરાણી રેકર્ડ વગાડી છે. મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વાયરલ તાવ, શરદી અને ઉધરસના રોગચાળાએ લોકોને રીતસર બાનમાં લીધા છે ત્યારે હવે મલેરિયા, ડેન્ગ્યુ ઉપરાંત ટાઇફોઇડ રોગચાળાએ માથું ઉચક્યું છે. એકલી સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ મેલસરીયાના બે કેસ સામે આવી રહ્યા છે અને અઠવાડિયે 15 નવા દર્દીને મલેરિયા ડંખ લાગી રહ્યા છે તો ડેન્ગ્યુના પણ દર અઠવાડિયે સાતથી આઠ કેસ સામે આવી રહ્યા છે. હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 200થી વધુ દર્દીઓની ઓપીડી ઉપરાંત 1000 જેટલા લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મલેરિયા અને ડેન્ગ્યુનો રોગચાળો હાહાકાર મચાવતા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં કુલ મળી 18 રેકટર કંટ્રોલ ટીમને મેદાને ઉતારવા આવી છે અને ખાસ કરીને વરસાદી માહોલ હોય લોકોને આગામી એક માસ સુધી આખી બાયના કપડાં પહેરવા પક્ષીના કુંડામાં પાણી બદલવા, ભંગાર કચરો, ટાયર જેવા મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા લોકોને મલેરિયા ઓફિસર સી.એલ.વારેવડીયાએ અપીલ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે મલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડના આ આંકડા સરકારી હોસ્પિટલના જ છે. હાલમાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા પંથકમાં પણ ખાનગી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે અને ઘેર-ઘેર માંદગીના બિછાના પહેરાયેલા છે ત્યારે વાયરલ રોગચાળાની આ સીઝનમાં લોકોને પણ સાવધ રહેવું હિતાવહ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..