માળીયા તાલુકામાં વેક્સીન લેવામાં ખચકાટ અનુભવતા લોકોને નાયબ કલેકટર હરદીપ આચાર્ય દ્વારા કચ્છી ભાષામાં આહવાન મોરબી : મોરબી જિલ્લામાં અનેક ગામોમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થયું છે અને કેટલાક જાગૃત ગામોમાં કોરોના વેક્સિનના બીજા ડોઝની કાર્યવાહી પણ જોરશોરથી આગળ ધપી રહી છે ત્યારે માળીયા તાલુકામાં લોકોમાં કોરોના રસી પ્રત્યે સંશય હોય હજુ ધારી સફળતા ન મળતા આરોગ્ય વિભાગ ચિંતિત છે ત્યારે માળિયામાં વિશેષ ફરજ ઉપર મુકાયેલા નાયબ કલેકટર હરદીપ આચાર્યે આજે નગરપાલિકા આયોજિત કેમ્પમાં નાગરિકોને કચ્છી ભાષામાં વેક્સીન મુકાવવા અસરકારક અપીલ કરી વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યો છે. નાયબ કલેકટર હરદીપ આચાર્યે સ્થાનિક લોકોને વેક્સીન ગીની ગીનો એટલે કે વેક્સીન લઇ લો તેવી ભાવુક બનીને અપીલ કરી હતી. આજે માળિયા મિયાણા નગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનશનનો કેમ્પ યોજાયો જેમાં માળિયા મિયાણાના નગરપાલિકા પ્રમુખ હારૂનભાઇ સંઘવાણી અને કાઉન્સિલર તેમજ આગેવાનો અને શેહરીજનોએ બોહળી સંખ્યામાં ઉત્સાહ ભેર વેક્સિન મુકાવી હતી. આ વેક્સિનેશન કેમ્પ દરમિયાન ડેપ્યુટી કલકટર હરદીપ આચાર્ય, મામલતદાર ડી.સી.પરમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને નાગરિકોને વેક્સિન અંગેના ફાયદાઓ વિષે તેમજ લોકજાગૃતિ અંગે સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, માળીયા નાયબ કલેકટર હરદીપ આચાર્ય કચ્છના વતની હોય તેઓએ આજે વેક્સિનેશન કેમ્પ દરમિયાન સ્થાનિક માળિયાના રહેવાસીઓ સાથે કચ્છી ભાષામાં વાતચીત કરી પોતીકાપણું દર્શાવવાની સાથે કચ્છી ભાષામાં કોરોના વેક્સીન ગીની ગિનો તેવો સંદેશ આપીને લોકોને ગભરાટ વગર વેક્સીન મુકાવવા અનુરોધ કર્યો હતો. માળિયાના કેટલાક અંતરિયાળ વાંઢ વિસ્તારમાં હજુ પણ લોકો વેક્સિનેશનથી દૂર ભાગે છે ત્યારે નાયબ કલેકટરની અપીલ લોકોને સ્પર્શી ગઈ હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..