સરકારની વિવિધ શૈક્ષણિક પ્રયોગો અને યોજનાઓની માહિતી તાલીમાર્થીઓએ મેળવી મોરબી : શિક્ષણએ વિશાળ દરીયા સમાન છે. શિક્ષણમાં જેટલું શીખીએ તેટલું ઓછું પડે છે. શિક્ષણમાં આદાન પ્રદાનની પ્રક્રિયાથી ઘણું બધું શીખી શકાય છે અને જાણી શકાય છે. એ અન્વયે ઓમ વિદ્યાવાસીની બી.એડ કોલેજ અને પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓએ મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લીધી હતી. કોલેજના તમામ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ બધા તાલીમાર્થી શાળામાં પહોંચતા શાળાના તમામ શિક્ષક બહેનો અને ભાઈઓએ તમામ તાલીમાર્થી અને ભવિષ્યના શિક્ષકોને ઉષ્માભેર આવકાર્યા હતા, શાળાના કર્તાહર્તા અને સમાહર્તા એવા દિનેશભાઈ ડી. વડસોલાએ તાલીમાર્થીઓને અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓ સમજાવી હતી.બાળક સાથે બાળક બનીને શિક્ષણકાર્ય કરાવવું જોઈએ,પાઠ કે એકમ સમજાવતી વખતે વિષયવસ્તુ, વિષય નિરુપણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ. વિષય પ્રવેશ,વિષયની સમજ શૈક્ષણિક સાધનોની મદદથી આપવી જોઈએ, ટી.એલ.એમ. નો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર દ્રઢીકરણ, પુનરાવર્તન, સ્વાધ્યાય કાર્ય,નિદાન, ઉપચાર કરી વિદ્યાર્થીઓને કઠિન લાગતા મુદ્દાઓની સમજ વિકસાવવી જોઈએ, વેગેર બાબતોની સમજ આપી હતી. શાળામાં ચાલતા જ્ઞાનકુંજ,આઈસીટી લેબ, સર્વ શિક્ષા અભિયાન, પ્રજ્ઞા અભિગમ, વિદ્યાર્થીઓને મળતા લાભો, એમ.ડી.એમ.શિષ્યવૃતિ ઓનલાઈન શિક્ષણ, જી.શાળા એપ માઈક્રોસોફ્ટ ટીમ્સ વગેરે વિશે વિસ્તૃત માહિતી દિનેશભાઈ વડસોલા અને જયેશભાઈ અગ્રાવતે આપી હતી, તાલીમાર્થીઓએ ખુબજ ઉત્સાહ દાખવી પોતાના અભ્યાસક્રમમાં આવતા વિષયો અંગેના પ્રશ્નો પુછી માહિતી મેળવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..