મોરબી-1માં ત્રણ ઇંચ નોંધાયો ચાર તાલુકામાં અચાનક પાણી- પાણી થઈ જતા લોકોના હૈયે હરખની હેલી : માળિયામાં માત્ર અમીછાંટણા મોરબી : મેઘરાજાએ આજે મોરબી જિલ્લામાં બે કલાકની ધુઆધાર બેટિંગ કરી છે. સાંજે 6થી 8 વાગ્યાના અરસામાં ટંકારામાં અઢી ઇંચ, મોરબી-હળવદમાં પોણા બે ઇંચ, વાંકાનેરમાં દોઢ ઇંચ વરસ્યો છે. આમ ચાર તાલુકામાં અચાનક પાણી- પાણી થઈ જતા લોકોના હૈયે હરખની હેલી સર્જાઈ છે. મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજે 6 વાગ્યાથી મેઘરાજા મહેરબાન થયા હતા. અચાનક મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા લોકો પણ અચરજમાં મુકાઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા તે ઘડી અંતે આજે આવી હતી. આજે મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદે જેવી બ્રેક લીધી મોટાભાગના માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે મોરબી નગર પાલિકા કચેરીમાં બે કલાકમાં 76 mm એટલે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી-2 મામલતદાર કચેરીમાં 42 mm અને મોરબી-1 નગરપાલીકામાં 76 mm વરસાદ નોંધાયો છે.ટંકારાના પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યું છે કે ટંકારા પંથકમાં આખા દિવસ અસહ્ય ઉકળાટ બાદ સાંજે 6:20 કલાકથી 7:45 વાગ્યા સુધીમાં અનરાધાર વિજળીના કડાકા ભડાકા સાથે 64મિમી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. લતીપર ચોકડી આગળ જામનગર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક વિજળી પડી હતી જોકે ખુલ્લી જગ્યામાં પડેલ વિજળીથી જાનમાલ ને નુકસાન થયું ન હતું. જ્યારે હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત થયું હતું. વરસાદને પગલે લાઈટ ગુલ થઈ ગઈ હતી જેને વિજ તંત્ર દ્વારા તાકીદે રીપેર કરી લીધી હતી. હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડે જણાવ્યું કે હળવદ પંથકમાં સાંજે વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ 5:30 વાગ્યાના અરસામાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. હાલ પણ ઝરમર વરસાદ ચાલુ જ છે. તાલુકામાં છેલ્લા બે કલાકમાં 43 મિમી એટલે કે પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાંકાનેરના પત્રકાર હરદેવસિંહે જણાવ્યું કે વાંકાનેર પંથકમાં સાંજે 6 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો..સમગ્ર પંથકમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. વરસાદને કારણે વાંકાનેર શહેરમાં ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. તાલુકામાં 34 મીમી એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. માળિયાના પત્રકાર કાસમભાઈ સુમરાએ જણાવ્યું કે માળિયા પંથકમાં મોરબી જિલ્લાના બાકીના તાલુકા જેવો વરસાદ પડ્યો નથી. અહીં મોડે મોડે સાંજે 7 વાગ્યાના અરસામાં ઝાપટું પડ્યું હતું. જે ઝરમર 30 મિનિટ ચાલુ રહ્યું હતું. તાલુકામાં 3 મિમી વરસાદ નોંધાયો છે. 8 સપ્ટેમ્બર, સાંજે 6 થી 8ના વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલ વરસાદના આંકડા ટંકારા : 64 mm (અઢી ઇંચ) મોરબી (મામલતદાર કચેરી) : 42 mm (પોણા બે ઇંચ) મોરબી (નગરપાલિકા કચેરી) : 76 mm (ત્રણ ઇંચ) વાંકાનેર : 34 mm (દોઢ ઇંચ) હળવદ : 42 mm (પોણા બે ઇંચ) માળિયા : 03 mm ( વરસાદી ઝાપટા) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..