ફગશિયા રોડ ઉપરની ઘટના : ઓવરલોડ ખનીજ ભરીને નીકળતા ભારે વાહનોની બેરોકટોક અવરજવરને લીધે બે વર્ષ પહેલાં બનાવેલો રોડ ખખડધજ બન્યો નાલુ તૂટી જતા વાહનોની અવરજવર બંધ કરાઈ, આ રોડ પરના અન્ય બે નાલાની પણ ભયજનક હાલત મોરબી : મોરબી નજીક પીપળીયા અને ફગશિયા ગામ વચ્ચે આવેલ નાલુ ખખડી જતા આ નાલાનો સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નાલુ તૂટી પડતાની સાથે ત્યાંથી પસાર થઈ રહેલો એક બાઈક ચાલક બાઈક સમેત નાલા નીચે ખાબક્યો હતો. આ ઘટનામાં તેને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવ અંગે સરપંચે ઓવરલોડ ભારે વાહનોની બેરોકટોક અવરજવરને લીધે બે વર્ષ પહેલાં બનાવેલો રોડ ખખડધજ થતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું રોષભેર જણાવ્યું હતું. પીપળીયા અને ફગશિયા રોડ ઉપર આવેલ નાલુ હમણાંથી ભારે જોખમી બની ગયું છે. આ નાલુ ભારે જર્જરિત થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગતરાત્રે એક શ્રમિક મજૂરી કામ અર્થે પોતાના બાઈક ઉપર આ નાલા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન જર્જરિત બનેલા નાલા વચ્ચેનો એક મસમોટા સ્લેબ તૂટી પડ્યો હતો અને નાલામાં બોકારું પડતા જ બાઈક ચાલક શ્રમિક બાઈક સાથે નાલાની નીચે ખાબક્યો હતો. આથી તેને ઇજા થતાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે આ ખખડી ગયેલુ નાલુ તૂટી પડવાથી આ ઘટના સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવ અંગે પીપળીયા ગામના સરપંચ હિતેશભાઈ કોઠીયાએ જણાવ્યું હતું કે, પીપળીયા અને ફાગશિયા ગામ વચ્ચે નાલામાં આશરે બે વર્ષ પહેલાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો.પરંતુ આ નવા રોડ ઉપર રેતી કે અન્ય સમાન ઓવરલોડ ભરીને ભારે વાહનો માતેલા સાંઢની માફક દોડતા રહે છે. ઓવરલોડ ભારે વાહનોની બેરોકટોક અવરજવરને કારણે આ નાલા પરનો રોડ બે વર્ષમાં જ ખરાબ થઈ ગયો છે. જો કે, ઓવરલોડ ભારે વાહનોને આ રોડ પરથી પસાર ન થવાની સૂચના આપી હોવા છતાં ભારે વાહનો મનમાની ચલાવીને આ રોડ પરથી પસાર થાય છે. ઓવરલોડ ભારે વાહનોના ત્રાસને કારણે જ આ નાલુ ખખડી ગયું હતું અને ગતરાત્રે નાલુ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..