બે ઇજાગ્રસ્ત : જુના ઝઘડાના મનદુઃખમાં ત્રણ વ્યક્તિ ઉપર ફાયરિંગ કરાયાની શકયતા મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક સાડા નવેક વાગ્યાના અરસામાં મમુદાઢી સહિતના ત્રણ ઈસમો ઉપર અજાણ્યા શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરતા આ હીંચકારા હુમલામાં એકનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યાનું અને બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હોવાનું બહાર આવ્યું છે. મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવી દેતી ઘટનામાં આજે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક કારમાં આવેલા શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરતા હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢી સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ફાયરીગની આ ઘટનામાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીને અતિ ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં ખસેડાયા હતા જ્યાં મૃત્યુ નીપજ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અને અન્ય ગંભીર ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન, lcb અને dysp, sp ઓડેદરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે ખાટકીવાસમાં થયેલા ઝઘડાની ઘટનાનો ખાર રાખી આ ફાયરિંગની ઘટના બની હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.