ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા ગુપ્તરાહે તપાસનો ધમધમાટ : નમૂના પૃથકરણમાં મોકલાયા મોરબી : ગઈકાલે મોડીરાત્રે રાજકોટ - મોરબી હાઇવે ઉપર છતર નજીક ઠાલવવામાં આવેલા ઝેરી કેમિકલ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી મોરબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને જંતુનાશક દવા બનાવતી ફેકટરી શંકાના દાયરામાં હોવાનું પણ બહાર આવ્યું છે. ગઈકાલે છતર નજીક મોડીરાત્રે ઠાલવવામાં આવેલ કેમિકલ જેવા પ્રવાહી અંગે પ્રદૂષણ નિયંત્રણ અધિકારી કે.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જંતુનાશક દવા બનાવતી કંપનીનું વેસ્ટજ પ્રવાહી હોવાનું સામે આવ્યું છે અને ગતરાત્રીના જ આ કેમિકલ ઉપર ચૂનો ઠાલવી દઈ કેમિકલની તીવ્રતા સમાવી દેવામાં આવી હતી અને નમૂના મેળવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. દરમિયાન વધુમાં તેમને ઉમેર્યું હતું કે, મોરબી આજુબાજુના વિસ્તારમાં હાલ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ઉપરાંત રાજકોટ જિલ્લામાં આવેલી આવા કેમિકલ બનાવતી ફેકટરીઓને પણ શંકાના દાયરમાં લઈ તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે અને સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આ કેમિકલ ક્યુ હતું તે અંગેની જાણકારી મળે તેમ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જલદ અને તીવ્ર દુર્ગંધ મારતા આ કેમિકલના કદડો ઠાલવામાં આવતા ગઈકાલે છતર ગામના લોકોને ગભરામણ થવાની તકલીફ પડતા લોકોમાં હડકંપ મચી ગયો હતો અને સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.