શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને ફટકો : પાણીના ભાવે બકાલું છતાં કોઈ લેવાલ નથી : યાર્ડ સતાવાળાઓએ ગંદકી ન હટાવતા માથુ ફાડે તેવી દુર્ગંધ મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં વરસાદને પગલે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને ફટકો પડ્યો છે. બીજી તરફ બકાલાના ભાવ ગગડી તળિયે બેસી જતા મોરબી યાર્ડમાં ખેડૂતો શાકભાજી રેઢા મૂકી પલાયન થઈ રહ્યા હોય યાર્ડમાં ગંદકીના ગંજ ખડકાતા માથુફાડી નાખે તેવી દુર્ગંધથી વેપારીઓ ત્રસ્ત બન્યા છે. છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોએ વાવેલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં બજારમાં આવી રહ્યા છે. જને કારણે અચાનક જ શાકભાજીની માર્કેટ તળિયે બેસી ગઈ છે. બે દિવસ પૂર્વે રાજકોટમાં પણ શાકભાજીના ભાવ ગગડી જતા ખેડૂતો શાકભાજી ફેંકી પલાયન થયા હતા, એ જ રીતે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોને મરચા, રીંગણ, કોબીજ, કાકડી સહિતના શાકભાજીના ભાવ ન મળતા ભાડાના પૈસા પણ નીકળે તેમ ન હોય ખેડૂતો બકાલાના પોટલાં રેઢા મૂકી નારાજગી સાથે પરત જઈ રહ્યા છે. દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં શાક-બકાલાના ઢગલાને કારણે ગંદકીનો માહોલ જામ્યો છે અને શાકભાજી કોહવાય જતા યાર્ડમાં માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોય, વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના હેડ સતિષભાઈ સંતોકીએ જણાવ્યું હતું કે, ભાવમાં ઘટાડો આવતા આ સ્થિતિ નિર્માણ થઇ છે અને દર બે દિવસે નગરપાલિકાની ગાડી કચરો લેવા આવતી હોય છે પરંતુ શનિ-રવિની રજાને કારણે શાકભાજીના ઢગલા ઉપડ્યા ન હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..