ભાજપ,કોંગ્રેસ ઉપરાંત આ વખતે આપ પણ મેદાને.! મોરબી : મોરબી જિલ્લામાં ખાલી પડેલી મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર અને હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક માટે આગામી તા.3જી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. આ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પંચાયતમાં વિજેતા બનેલા ઉમેદવારનું કોરોના મહામારીમાં મૃત્યુ નિપજતા આ બેઠક ખાલી પડી હતી. એ જ રીતે હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર વિજેતા થયેલા મહિલા સદસ્યનુ કોરોનાની બીજી વેવમાં મૃત્યુ નિપજતાં આ બેઠક ખાલી પડી હતી ત્યારે આ બન્ને બેઠકોની સાથે રાજ્યમાં મહાનગર પાલિકા અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની આગામી તા.3જી ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજવા ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અંતર્ગત ત્રાજપર બેઠક સામાન્ય બિન અનામત અને રણછોડગઢ બેઠક સ્ત્રી અનામત જાહેર કરવામાં આવી છે.જેથી હવે દરેક રાજકીય પક્ષો ઉમેદવારો ગોતવાની અને મતદારોની અત્યારથી જ મનાવવાના પ્રયત્નોમાં લાગી જશે.ઉલ્લેખનીય છે કે, આ વખતે આપ પણ ચૂંટણી લડવા બરાબર સજ્જ થયું હોય ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ ઝુકાવતા ત્રિપાખીયો જંગ જામશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા ચૂટણી કાર્યક્રમ અન્વયે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ- ૧૮/૯/૨૦૨૧, ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ-૨૦/૯/૨૦૨૧, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ-૨૧/૯/૨૦૨૧, મતદાનની તારીખ-૩/૧૦/૨૦૨૧ સવારે ૭ વાગ્યા છી સાજના ૬ વાગ્યા સુધી, પુન:મતદાનની(જો જરૂર હોય તો) તારીખ-૪/૧૦/૨૦૨૧ અને મત ગણતરીની તારીખ-૫/૧૦/૨૦૨૧ના રોજ યોજાશે.