શનાળા બાયપાસ નજીક મારમારીની ઘટનામાં સામસામી ફરિયાદ, એક પક્ષે સામેના જૂથ સામે લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીકની સોસાયટી પાસે મારમારીની ઘટના બની હતી.જેમાં આફ્રિકાથી મંગાવેલો મોબાઈલ ન લાવતા આ બાબતે થયેલા મનદુઃખનું સમાધાન કરવાના માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી, આ મારમારીની ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે. જો કે એક પક્ષે સામેના જૂથ સામે ડરાવી ધમકાવીને મોબાઈલ તેમજ રોકડની.લૂંટ કર્યાની પણ ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી મારમારીની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ પચીસ વારીયા પ્લોટ સરકારી આવાસા બ્લોકનં.બી/૬માં રહેતા શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૨૦) એ આરોપીઓ નવઘણભાઇ મોહનભાઇ બાંભવા, ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી, કિશનભાઇ રમેશભાઇ અજાણા, વીપુલભાઇ ધારાભાઇ અજાણા, ભરતભાઇ આબલીયા, પોપટ મેર ઉર્ફે પી.કે. (રહે.બધા મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તા.૪ ના રોજ ફરીયાદીના મિત્ર સાગર નવઘણભાઇ ભરવાડએ આરોપી આફ્રીકા હોય ત્યારે મોબાઇલ મંગાવેલ હોય જે આરોપી મોબાઇલ નહી લાવતા સાહેદ સાગરભાઇએ આરોપી સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ હોય જેનુ સમાધાન કરવા આરોપીએ સાહેદને મોરબી શનાળા બાયપાસ ખોજા સોસાયટી પાસે બોલાવતા ફરીયાદી તથા સાહેદો સમાધાન માટે જતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે તથા લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને જમણા પગે તેમજ સાહેદ આશીફભાઇ મોવરને બંને પગમા ફેકચર કરી તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી (ઉ.વ.૨૧, રહે.મોરબી શનાળા બાયપાસ ખોજા પાર્ક સોસાયટી)એ આરોપીઓ સલમાન ઉમેદભાઇ ધારાણી, સાગરભાઇ નવઘણભાઇ ભરવાડ, ડેનીશ મિસ્ત્રી, શાહરૂખભાઇ ચાનીયા, આશીફભાઇ મોવર સામે વળતી ફરીયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ધમકાવી આપી ભય દેખાડી ફરીયાદીનો મોબાઇલ કિ.રૂ. ૩૦,૦૦૦ તથા રોકડ રૂ. ૧,૫૦૦ ની લુંટ કરી બાદમાં આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઇ છરી દેખાડી ફરીયાદ નહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..