ઇન્ચાર્જ પુરવઠા અધિકારી રૂપાપરાનો સપાટો જિલ્લાની છ સસ્તા અનાજની દુકાનોમાં નોંધાયેલા તમામ એનએફએસએ કાર્ડની 100 ટકા તપાસ કરવા 11 ટીમ મેદાને મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સસ્તા અનાજના દુકાન ધારકો બેફામ બની કાળાબજારી કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને બીપીએલ, અંત્યોદય અને નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ ધારકોનો માલ બરોબર સગેવગે કરવાંમાં સંડોવાયેલા મનાતા જિલ્લાના છ પરવાનેદારો વિરુદ્ધ ઇન્ચાર્જ પુરવઠા અધિકારી રૂપાપરાએ તપાસના આદેશ આપતા કાળાબજારી કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકોને થમ્બ ઇમ્પ્રેશન મેળવ્યા બાદ જ અનાજ,ચોખા, ખાંડ, કેરોસીન વિતરણ ફરજીયાત કરવામાં આવ્યું હોવા છતાં ભેજાબાજ સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા રેશનકાર્ડ ધારકના ડુપ્લીકેટ થમ્બ ઇમ્પ્રેશન મેળવી કે અન્ય પુરાવા મેળવી ગરીબોના હિસ્સાનું અનાજ, ચોખા બારોબાર વેચી મારવામાં આવતા હોય રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને તપાસના આદેશ કરવામાં આવતા મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ અને અધિક જિલ્લા કલેકટર એન.કે.મુછારના માર્ગ દર્શન હેઠળ ઇન્ચાર્જ પુરવઠા અધિકારી રૂપાપરા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વધુમાં રેશનકાર્ડ ધારકોના હિસ્સાના અનાજ, ચોખા સહિતની સામગ્રી કાળાબજાર કરવા મામલે મોરબી લૂંટાવદરના સસ્તા અનાજના વિક્રેતા શાંતિલાલ ગોરધનભાઈ બાવરવા, લાલપરના જયશ્રીબેન સવજીભાઈ આદ્રોજા, લીલાપરના મહેશ ત્રિભોવન કૈલા, માળીયા મેઘપરના લાવડીયા ગોવિંદ વશરામ, નાની બરારના પુષ્પકાન્ત રાણા અને જાજાસરના જીવણભાઇ હીરાભાઈ નામના પરવાનેદારને ત્યાં તપાસ માટેમોરબીમાં 8 ટિમ અને માળીયા તાલુકામાં 3 ટીમને 100 ટકા એનએફએસએ કાર્ડની તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું ઇન્ચાર્જ પુરવઠા અધિકરી રૂપાપરાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં પેધી ગયેલા મોટામાથા એવા સસ્તા અનાજના વેપારીઓ ગરીબ અને મધ્યમવર્ગને તેમના હિસ્સાનું અનાજ, ચોખા,ચણા,તુવેરદાળ સહિતની સામગ્રી આપવાને બદલે ખુલ્લા બજારમાં જાહેરમાં વેચી રહ્યા છે ત્યારે આ ગંભીર મામલે પણ પુરવઠા વિભાગ પગલાં ભરવા સજ્જ બન્યું હોવાનું જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..