આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી આપી મોરબી : ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખુબ કફોડી છે. પહેલા તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ હાથતાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ્મ છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણને કારણે જીવાતના ઉપદ્રવે દવા ખર્ચમાં વધારો કર્યો, મોંઘા ભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાક મરી પરવાર્યો છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને આજે મોરબી જિલ્લા કલેકટર મારફતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા કહે છે કે, જૂન-જુલાઈ-27 ઓગસ્ટ સુધીની જિલ્લાવાર વરસાદની ટકાવારી ખુબ ચિંતાજનક છે. આંકડાઓ અનુસાર ગુજરાતના 5 વિસ્તારોમાં 27 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ 31.74 %, ઉત્તર ગુજરાતમાં 31.98%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37.93%, સૌરાષ્ટ્રમાં 37.05% અને દક્ષિણ ગુજરાતમાં 51.31% વરસાદ થયો છે. એટલે કે કચ્છમાં 68.26%, ઉત્તર ગુજરાતમાં 68.02 %,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.07 %, સૌરાષ્ટ્રમાં 62.95 % અને દક્ષિણ ગુજરાતમાં 68.69 % વરસાદની ઘટ છે. આખા ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 41.71% છે એટલે રાજ્યમાં વરસાદની 30 વરસની સરેરાશ સામે આ વર્ષે વરસાદની 58.29 %ની ઘટ છે. આમ આદમી પાર્ટી-ગુજરાતની સરકાર પાસે સાફ માંગણી છે કે, સરકાર પાસે હાલ જે યોજનાઓ છે, તેનો વખતસર અમલ શરુ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે. જેમાં.. 1: એસડીઆરએફ: ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવી, રકમમાં ભાવવધારાને ધ્યાને રાખી વધારો કરવો જરૂરી છે. 2: મુખ્યમંત્રી કિસાન સહાય યોજના: એસડીઆરએફના ધોરણે જ સર્વે કરી જે જે ખેડૂતોને નુકશાન થયું હોય એ પ્રમાણે ભાવવધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવું. 3: ખેડૂતો નથી એમના માટે દુષ્કાળ મેન્યુઅલમાં વરસાદની આનાવારી (ટકાવારી) પ્રમાણે કરવાનાં કામો - (1) ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, (2) ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડ ના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માગતું હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, (3) પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, (4) જરૂરિયાત મંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ. જો પાછોતરો વરસાદ પૂરતો ના થાય તો પીવાના પાણીના અંતરિયાળ ગામોમો ગંભીર પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર વખતસર પગલાં ભરે તે જરૂરી છે. આ આવેદનપત્ર મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયાની આગેવાનીમાં જીલ્લા મહામંત્રી, જિલ્લા ઉપપ્રમુખ, મોરબી તાલુકા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ને સાથે રાખીને આપવામાં આવેલ, 'આપ' દ્વારા તંત્રને ચીમકી પણ આપવામાં આવેલ કે સરકાર આ બાબતમાં ત્વરિત ઘટતાં પગલાં ભરશે અન્યથા લોકહિતને ધ્યાને રાખી, ના છૂટકે, આમ આદમી પાર્ટી (ગુજરાત) સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..