લક્ષ્મીજી અવતરતા હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222નું અનુદાન અપાયું મોરબી : સમાજમાં હવે લક્ષ્મી અને દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ અને માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. આજે મોટાભાગના શિક્ષિત અને સમજુ પરિવારના લોકો દીકરીના જન્મને દીકરાની જેમ જ હર્ષભેર ઉજવે છે. એટલું જ નહીં દીકરીનું પણ પુત્રની જેમ જ લાલન-પાલન અને પોષણ કરે છે. આ બદલાવમાં પણ આજે સમાજ માટે નવો રાહ ચીંધતી અને ક્રાંતિકારી પહેલ કરતી ઘટના સામે આવી છે. જેમાં મોરબીના એક પ્રજાપતિ પરિવારના ઘરે બે દીકરીઓ ઉપર ફરી ત્રીજી દીકરીનો જન્મ થતા પુત્ર ઘેલછાને બદલે ઈશ્વરનો આશીર્વાદ સમજીને આ પરિવાર ખુશીથી નાચી ઉઠ્યો છે અને ત્રીજી પુત્રીના જન્મને પણ ફૂલડે વધાવ્યો છે. એટલું જ નહીં તેમના મિત્રો તરફથી હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222 નું અનુદાન અપાયું છે. કોઈપણ પરિવારને પુત્રની મોટી આશા હોય છે.ખાસ કરીને જે પરિવારમાં અગાઉ બે દીકરીઓ હોય તો તે પરિવારને ત્રીજા સંતાનમાં પુત્રનું અવતરણ થાય તેવી અદમ્ય આશા હોય છે. પણ કદાચ ઈશ્વર એ પરિવારને પુત્રને બદલે લક્ષ્મી સ્વરૂપા દીકરીની ભેટ આપે તો એ પરિવારમાં પુત્રી જન્મની ખુશીઓ હશે કે કેમ? આવી જ ઘટના મોરબીના એક પ્રજાપતિ પરિવારમાં બની છે. જેમાં મોરબીમાં રહેતા નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં અગાઉથી બે દીકરીઓ છે. ત્યારે ફરી ઈશ્વરે ત્રીજી દીકરીની ભેટ આપતા નીતિનભાઈ અને એમના પરિવારે ત્રીજી દીકરીના જન્મને ખુશીભેર મનાવ્યો છે. નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાના ઘરે જન્માષ્ટમીના પાવન અવસરે લક્ષ્મીજીના વધામણાં થતા એ પરિવાર ખુશીથી નાચી ઉઠ્યો હતો. જન્માષ્ટમીના અવસરે ઈશ્વરે આશીર્વાદ રૂપે ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજીને નીતિનભાઈ અને તેમના પરિવાર તથા મિત્રોએ ઉમંગભેર આ દીકરીના જન્મના વધામણાં કરી પુત્ર કરતા પણ સવાઈ રીતે પુત્રીના જન્મ પ્રસંગને ઉજવ્યો છે. એટલું જ નહીં નીતિનભાઈના મિત્રોએ લક્ષ્મીજીના વધામણાંની ખુશીમાં ટંકારાના હડમિતિયા ગામે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના અસ્થાના કેન્દ્ર સમાન નકલંકધામની જગ્યામાં ગુરુદેવને સેવકાર્યો માટે ભૂમિદાન પેટે રૂ. 2,22,222 નું અનુદાન અપાયું છે. આમ આ પરિવારે દીકરી દીકરો એક સમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તેમજ માનસિકતામાંથી બહાર આવી દીકરીને વ્હાલનો દરિયો ગણીને તેનું પુત્રની જેમ જ લાલન-પાલન કરવાનો મેસેજ આપ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..