સ્થાનિક સોસાયટીના રહીશોની રજુઆતને પગલે નગરપાલિકા તંત્રએ ડીમોલેશન હાથ ધર્યું આગામી સમયમાં કુળદેવી પાન નજીક અને પંચાસર રોડના દબાણ હટશે મોરબી : મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર સર્કિટ હાઉસ પાસે દબાણો ખડકાયેલા હોય અને અવારા તત્વોનો અડ્ડો જામતો હોવાથી બહેનો દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બની જતું હોવાથી આ દબાણો દૂર કરવાની સ્થાનિકોએ કલેકટરને રજુઆત કરી હતી. જેના પગલે મોરબી નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે 16 જેટલા ગેરકાયદે દબાણો ઉપર ડીમોલેશન કરીને દબાણો દૂર કરી દીધા હતા. મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ વિધુતનગર સોસાયટીના રહીશોએ થોડા સમય પહેલા કલેકટરને રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીનું હલણ સર્કિટ હાઉસ સામે મહેન્દ્રનગર રોડ સર્વિસ રોડ પરથી નીકળે છે. જ્યાં અમુક સ્થાનિક શખ્સોએ ગેરકાયદે કાચા પાકા દબાણો કરી દુકાનો અને મકાનો બનાવી ભાડે આપીને ભાડું ઉઘરાવે છે. તેમજ ત્યાં આવારા તત્વોનો અડ્ડો જામે છે. અને દેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોય આવારા તત્વોના ત્રાસથી બહેનો અને દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બને છે. આથી અહીં આવારા તત્વોનો ત્રાસ દૂર કરી ગેરકાયદે દબાણો હટાવવાની માંગ કરી હતી. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી.જેને પગલે આજે બી ડિવિઝન પોલીસને સાથે રાખી પાલિકા તંત્રે બુલડોઝર ધણધણાવ્યુ હતું. વધુમાં પાલિકા તંત્રએ સામાકાંઠે સર્કિટ હાઉસ સામે ખડકયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આઠ જેટલી ગેરકાયદે દુકાનો, બે મકાનો, બે જેટલા ડેલા સહિત કુલ 16 દબાણો ઉપર બુલડોઝર ફેરવીને આ દબાણો દૂર કરી દીધા હતા અને હજુ આગામી સમયમાં કુળદેવી પાન નજીક તેમજ પંચાસર રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..